ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભક્તો પોતાની શક્તિ મુજબ માતાજીને રોકડ-રકમ ઉપરાંત સોના-ચાંદીની વસ્તુઓ અર્પણ કરે છે. 03 જૂને અમદાવાદના એક ભક્તે માતાજીને સોનાના મુગટનું દાન કર્યું છે. આ મુગટનું વજન 118.75 ગ્રામ છે અને તેની કિંમત રૂ. 5,52,000 છે. ઉલ્લેખનીય છે કે, અંબાજી માતાના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા માટેનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે. દેશ-વિદેશમાં વસતા અનેક શ્રદ્ધાળુઓ રોકડ ઉપરાંત સોના-ચાંદીનું દાન આપીને આ કાર્યમાં પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે. ઘણી વખત શ્રદ્ધાળુઓ પોતાનું નામ જાહેર કર્યા વગર ગુપ્ત દાન પણ કરતા હોય છે.