અમેરિકન સંરક્ષણ મંત્રાલયના મુખ્ય મથક પેન્ટાગોને જણાવ્યું છે કે, અમેરિકા, માત્ર ભારતનું સુરક્ષા ભાગીદાર જ નહીં પરંતુ તેની અસાધારણ વિકાસગાથામાં એક “મુખ્ય ભાગીદાર” પણ બનવા ઇચ્છે છે. પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી બ્રિગેડિયર જનરલ પેટ્રિક રાયડરે તાજેતરમાં રજૂ કરવામાં આવેલી નવી ઊભરતી મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી અંગે ભારત-અમેરિકાની પહેલ અંગેના પ્રશ્નના જવાબમાં આ નિવેદન આપ્યું હતું.
રાયડરે જણાવ્યું હતું કે, “અમેરિકન સરકાર, આપણા ઉદ્યોગો અને આપણી યુનિવર્સિટીઓ તરફથી ઉચ્ચ સ્તરીય જોડાણ અભૂતપૂર્વ છે અને તે એક મજબૂત સંકેત આપે છે કે, અમેરિકા માત્ર ભારતનું સુરક્ષા ભાગીદાર જ નહીં, પરંતુ ભારતની અસાધારણ વૃદ્ધિની ગાથામાં પણ ભાગીદાર બનવા ઇચ્છે છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંરક્ષણ વિભાગ વ્હાઈટ હાઉસના નેતૃત્ત્વમાં ભારત અને અમેરિકા વચ્ચે ઈનિશિએટિવ ફોર ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેક્નોલોજી (ICET) હેઠળ અન્ય વિવિધ અમેરિકન એજન્સીઓ અને ભાગીદારો સાથે કામ કરવા આતુર છે.
આ મહિનાની શરૂઆતમાં, અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી iCETની શરૂ કરવામાં આવી હતી, જે તેમણે મે 2022માં તેમની ટોકિયોમાં મુલાકાત પછી બંને દેશોની સરકારો, બિઝનેસીઝ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારી અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વધારવા અને વિસ્તૃત કરવાની જાહેરાત કરી હતી.














