Most layoffs in technology sector in America in January:
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં ટેકનોલોજી ક્ષેત્રની આગેવાની હેઠળની વિવિધ ક્ષેત્રોની કંપનીઓએ જાન્યુઆરીમાં આશરે 1 લાખ કર્મચારીઓની છટણી કરી છે, જે ડિસેમ્બરની સરખામણીમાં 136 ટકાનો જંગી વધારો દર્શાવે છે. ડિસેમ્બરમાં 43,651 કર્મચારીઓની હકાલપટ્ટી થઈ હતી.

વૈશ્વિક આઉટપ્લેસમેન્ટ એન્ડ બિઝનેસ એક્ઝિક્યુટિવ કોચિંગ કંપની ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસના રીપોર્ટ મુજબ જાન્યુઆરીમાં નોકરીમાં મૂકાયેલો કાપ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 440 ટકા વધુ છે. જાન્યુઆરી 2022માં 19,064 કર્મચારીઓને છૂટા કરાયા હતા.

ચાલુ વર્ષના જાન્યુઆરીમાં ટેકનોલોજી ક્ષેત્રમાં સૌથી વધુ 41,829 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત થઈ હતી, તે તમામ નોકરીકપાતના આશરે 41 ટકા છે. એમેઝોનથી લઇને મેટા તથા આલ્ફાબેટથી લઇને ગૂગલ સુધીની લગભગ દરેક મોટી ટેક કંપનીએ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. તે ડિસેમ્બર 2022માં જાહેર કરાયેલા 16,193 કાપ કરતાં 158 ટકા વધારે છે. જાન્યુઆરી 2023માં થયેલી છટણી જાન્યુઆરી 2022માં થયેલી છટણી કરતાં 57,996 ટકા વધારે છે.

નવેમ્બર 2022થી અત્યાર સુધી ટેકનોલોજી કંપનીઓએ કુલ 110,793 નોકરીમાં કાપની જાહેરાત કરી છે, જે 1993 પછીથી સૌથી વધુ છે. જાન્યુઆરીમાં કરાયેલી છટણી આ ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી વધુ છે.

ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસના લેબર એક્સપર્ટ અને સિનિયર વાઇસ પ્રેસિડન્ટ એન્ડ્રુ ચેલેન્જરે જણાવ્યું હતુ કે આપણે હવે કોરોના મહામારીના વર્ષોમાં ભરતીના ઉન્માદથી તદ્દન અલગ સ્થિતિમાં આવી ગયા છીએ. કંપનીઓ હવે આર્થિક નરમાઇ માટે તૈયારીઓ કરી રહી છે તથા કર્મચારીઓમાં કાપ મૂકી રહી છે અને ભરતીની પ્રક્રિયા ધીમી કરી છે.

મીડિયા ઇન્ડસ્ટ્રીમાં જાન્યુઆરી 2023માં નોકરીમાં 754નો કાપ મૂકાયો હતો, જે જૂન 2021 પછીથી માસિક ધોરણે સૌથી ઊંચો આંકડો છે. જૂન 2021માં નોકરીમાં 1,001નો કાપ મૂકાયો હતો. જાન્યુઆરી 2023માં ડિજિટલ, પ્રિન્ટ અને બ્રોડકાસ્ટ ન્યૂઝ સંસ્થાઓમાં કુલ 460 કર્મચારીઓને છૂટા કરાયા હતા.

બીજી તરફ અમેરિકામાં મનોરંજન-લીઝર ક્ષેત્રમાં ભરતી ચાલુ થઈ છે. અમેરિકામાં કંપનીઓએ જાન્યુઆરીમાં 32,764 કર્મચારીની ભરતી કરવાની યોજના જાહેર કરી છે. આ આંકડો જાન્યુઆરી 2022ના 77,630 કર્મચારીઓની ભરતી કરતાં 58 ટકા નીચો છે. ગયા વર્ષના ડિસેમ્બરમાં 51,693 કર્મચારીઓની ભરતીની જાહેરાત થઈ હતી.

LEAVE A REPLY

13 − two =