ભારે વરસાદને કારણે સુરત જિલ્લામાં બુધવાર, 24 જુલાઈ, 2024 પછી અનેક ગામડામાં મકાનો પાણીમાં આંશિક રીતે ડુબી ગયા હતા. . (PTI Photo) (PTI07_24_2024_000284B)

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં બુધવાર 24 જુલાઇની વહેલી સવારથી ચાલુ થયેલા મુશળધાર વરસાદને પગલે ઘણી નદીઓ અને ડેમ ઓવરફ્લો થતાં અનેક ગામડાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા બાદ 800થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરાયું હતું. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં આઠ લોકોના મોત થયાં હતાં. અમદાવાદમાં પણ બુધવારની રાત્રે ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ બુધવારે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં પડેલા ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે. અમે તે સમયગાળા દરમિયાન 826 લોકોને સુરક્ષિત સ્થળોએ પણ ખસેડ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અમે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ)ની 20 ટીમો અને એનડીઆરએફની 11 ટીમોને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તૈનાત કરી છે.

ભારતના હવામાન વિભાગ (IMD)એ ઘણા જિલ્લાઓ માટે જારી કરેલા વરસાદના ‘રેડ એલર્ટ’ને ધ્યાનમાં રાખીને કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખવા અને ફસાયેલા લોકોને મદદ કરવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે.
સવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતના સુરત, ભરૂચ અને આણંદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, જેના કારણે સત્તાવાળાઓએ કેટલીક જગ્યાએ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવાની સૂચના આપી હતી.કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવાને પણ અસર થઈ હતી.

વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના વહીવટીતંત્રે પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બચાવવા અને તેમને સુરક્ષિત સ્થાનો પર ખસેડવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને સ્થાનિક ફાયર ટીમોના કર્મચારીઓને તૈનાત કર્યાં હતા.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના ડેટા મુજબ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સવારે 8 વાગ્યાથી માત્ર 4 કલાકમાં 314 મીમી (આશરે 12 ઇંચ) વરસાદ નોંધાયો હતો., નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા બાદ લગભગ 400 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે NDRF ટીમને તૈનાત કરાયા છે અને વહીવટીતંત્ર પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહ્યું છે.
મંગળવારે સુરતમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરમાં પૂર આવ્યું હતું અને કેટલાંક ગામડાઓના સંપર્ક કપાઈ ગયા હતા, જેના કારણે લગભગ 200 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ભરૂચ અને નવસારીમાં ભારે વરસાદને પગલે વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી હતી. એક અધિકારીએ જણાવ્યું કે, NDRFના જવાનોની એક ટીમ ફસાયેલા લોકોને બચાવવા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લિંબડા ખાતે દોડી ગઈ હતી. જિલ્લાના 132 જેટલા રસ્તાઓ સાવચેતીના પગલારૂપે બંધ કરવામાં આવ્યાં હતાં.

બુધવારે સવારે 6 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા (276 મીમી), પલસાણા (250), કામરેજ (208) અને બારડોલી (202) સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા, SEOC ડેટા દર્શાવે છે.

તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ

ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે “સવારે 4 વાગ્યાથી, ભરૂચ જિલ્લામાં ખાસ કરીને હાંસોટ, ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ અને અંકલેશ્વરના તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. સવારે 8 વાગ્યા પછી પણ જિલ્લાના જંબુસરમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટીતંત્રે તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે રજા જાહેર કરી હતી. અમારી ટીમો ભરૂચ શહેરમાં પાણી ભરાવા પર ચાંપતી નજર રાખી રહી છે… મોટાભાગે, પરિસ્થિતિ નિયંત્રણમાં છે,”
નવસારી જિલ્લાના વહીવટીતંત્રે પૂર્ણા નદીમાં જળસ્તરમાં વધારો થવાને કારણે પૂર આવતાં નવસારી અને બીલીમોરા શહેરોમાં લગભગ 150 લોકોને સ્થળાંતરિત કર્યા હતા.અધિકારીઓએ જણાવ્યું હતું કે કાવેરી અને અંબિકા જેવી નદીઓ પણ તેમના ખતરાના નિશાનની નજીકથી વહી રહી હતી. તેનાથી અનેક સ્થળોએ વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો.

ટ્રેન સેવા પ્રભાવિત

વડોદરા ડિવિઝનમાં રેલ્વે બ્રિજ નીચે પાણીનું સ્તર વધવાને કારણે 11 જેટલી લાંબા-અંતરની એક્સપ્રેસ ટ્રેનોને પ્રભાવિત થઈ હતી, જ્યારે ચાર લોકલ પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી હતી, પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું ટ્રેનની અવરજવર બાદમાં ડાઉન લાઇનમાં પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં સરેરાશ એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટના જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8-8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો મળ્યાં હતા. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં 7 ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.

વડોદરા જળબંબાકાર

વડોદરા શહેર ઉપરાંત જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. આજે છેલ્લા 8 કલાકમાં વડોદરા શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો સિનોર તાલુકામાં પણ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જિલ્લાના સાવલી તાલુકામાં 11, વાઘોડિયામાં 8, ડભોઇ 16, પાદરા 57, કરજણમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો.

સુરત, ભરુચ જળમગ્ન બન્યું

ભરૂચ શહેર અને જિલ્લામાં મંગળવાર રાતથી વરસી રહેલા ધોધમાર વરસાદના લીધે શહેરના વિવિધ વિસ્તારો વરસાદી પાણીમાં જળમગ્ન બન્યા હતાં. ભરૂચના ગાયત્રી મંદિર, એશિયાડ નગર, નિરાંત નગર સહિત દીવા રોડ પર આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. શહેરના મુખ્ય માર્ગો પર બેટ જેવી સ્થિતિ સર્જાઇ હતી.. ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 5 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ, હાંસોટમાં 5 ઇંચ, વાલિયા અને વાગરામાં 4 ઇંચ, જંબુસરમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments