નવી દિલ્હીમાં શનિવારે સંસદની નવી ઇમારત ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠી હતી. (ANI Photo/Shrikant Singh)

વિરોધ પક્ષોના બહિષ્કારની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રવિવાર, 28 મેએ એક ભવ્ય સમારંભમાં અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ નવું સંસદ ભવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનની  તકતીનું અનાવરણ કર્યું હતું.

સવારે હવન અને સર્વધર્મ પ્રાર્થના પછી ઉદ્ઘાટન સમારંભનો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન મોદી સવારે 7.30 વાગ્યે નવા સંસદ ભવન પહોંચ્યા હતા. તેઓ અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પૂજા કરવા બેઠા હતા. પૂજા પૂરી થયા બાદ વડાપ્રધાને ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલને પ્રણામ કર્યા હતા. તમિલનાડુ અધીનમ અથવા સંતોએ વડાપ્રધાનને ‘સેંગોલ’ સોંપ્યો હતો. વડાપ્રધાન ઐતિહાસિક રાજદંડને લોકસભા ચેમ્બરમાં લઈ ગયા અને તેને અધ્યક્ષની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યો હતો.

આ કાર્યક્રમમાં 25 પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. વડાપ્રધાને 10 ડિસેમ્બર, 2020ના રોજ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો હતો અને હવે ઉદ્ઘાટન કર્યું છે. સંસદ ભવનનું ઉદ્ઘાટન કરતાં પહેલાં લ્યુટિયન્સ દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી હતી.

નવી સંસદ ભવન લોકસભા ચેમ્બરમાં 888 અને રાજ્યસભા ચેમ્બરમાં 300 સભ્યો આરામથી બેસી શકશે. બંને ગૃહોના સંયુક્ત સેશનના કિસ્સામાં, લોકસભા ચેમ્બરમાં કુલ 1,280 સભ્યોને સમાવી શકાય છે.

ઉદ્ઘાટન સમારોહના 20 વિરોધ પક્ષોના બહિષ્કાર વચ્ચે સેંગોલ પણ રાજકીય વિવાદનો કારણ બન્યો હતો. કોંગ્રેસના નેતા જયરામ રમેશે શુક્રવારે દાવો કર્યો હતો કે લોર્ડ માઉન્ટબેટન, સી રાજગોપાલાચારી અને નેહરુએ સેંગોલને ભારતમાં અંગ્રેજો દ્વારા સત્તાના હસ્તાંતરણના પ્રતીક તરીકે વર્ણવ્યાના કોઈ દસ્તાવેજી પુરાવા નથી. સેંગોલ પર કોંગ્રેસના આવા દાવાની ગૃહપ્રધાન અમિત શાહે આકરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે પાર્ટીએ તેના વર્તન પર ચિંતન કરવાની જરૂર છે. ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના કાર્પેટ, ત્રિપુરાના વાંસના ફ્લોરિંગ અને રાજસ્થાનના પથ્થરની કોતરણી સાથે નવું સંસદ ભવન ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. નવી ઇમારત માટે વપરાયેલી સામગ્રી દેશના વિવિધ ભાગોમાંથી હસ્તગત કરવામાં આવી છે.

LEAVE A REPLY