(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કેનેડામાં ટ્રેડમાર્ક ઉલ્લંઘનના એક કેસમાં અમૂલનો વિજય થયો છે. ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અપેલેટ બોર્ડ ઓફ કેનેડાએ તાજેતરમાં ભારતની પ્રખ્યાત અને સૌથી મોટી ડેરી અમૂલના ટ્રેડમાર્કને માન્યતા આપી હતી. અમૂલે ફેડરલ કોર્ટ ઓફ કેનેડામાં અમુલ કેનેડા અને ચાર લોકો (મોહિત રાણા, આકાશ ઘોષ, ચંદુ દાસ અને પટેલ) સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘનનો કેસ દાખલ કર્યો હતો.

જાન્યુઆરી, 2020માં અમૂલને જાણવા મળ્યું હતું કે આ ગ્રુપે અમૂલ ટ્રેડમાર્કની નકલ કરી છે અને તેમના લોગો અમૂલ – ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયાની પણ નકલ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિન્ક્ડઈન પર આની ફેક પ્રોફાઈલ પણ બનાવી હતી.

ભારતની સૌથી મોટી સહકારી કંપની અમૂલ કેનેડાની ફેડરલ કોર્ટમાં ચાલી રહેલો કેસ જીતી ગયા પછી કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે અમૂલને 32,733 કેનેડિયન ડૉલર નુકસાન પેટે આપવામાં આવે. ફેડરલ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે, આરોપીઓએ અમૂલના કોપીરાઈટનો ભંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે GCMMF પાછલા 22 વર્ષથી યુએસએમાં દૂધને લગતી બનાવટોની નિકાસ કરે છે. પાછલા બે વર્ષમાં અમૂલે કેનેડામાં પણ અમૂલ કુલ, આઈસ ક્રીમ અને અન્ય વસ્તુઓની નિકાસ શરુ કરી છે.