નૈરોબીમાં જન્મેલા અને કેટલાક વર્ષો ભારતમાં વિતાવનાર બિઝનેસમેન અનંત મેઘજી પેથરાજ શાહને શિક્ષણ, આરોગ્ય અને પ્રાણીઓના કલ્યાણ માટેની સેવાઓ બદલ ઓબીઇ બહુમાન એનાયત કરવામાં આવ્યું છે.

અનંત શાહે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લંડનમાં પૂરું કર્યા બાદ લંડનની એલએસઈમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી. 1973 માં, ફીઇનાન્સીયલ સર્વિસ ક્ષેત્રે કામ કરતા મોટા ભાઈ, વિપિન સાથે, તેમણે મેઘરાજ જૂથની સ્થાપના કરી હતી. જેમની મેઘરાજ બેંક યુકેની પ્રથમ ખાનગી ભારતીય અને સમુદાયની સેવા કરતી બેંક હતી.

2000 માં બિઝનેસની સક્રિય ભાગીદારીમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ પિતા એમ.પી. શાહના પગલે તેમનો સમય દાન પાછળ ફાળવે છે. એક અંદાજ મુજબ પરિવાર દ્વારા નિર્માણ પામેલી સંસ્થાઓનો લગભગ 35,000 લોકોને સીધો ફાયદો થાય છે. જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજમાંથી 11,000 થી વધુ ડોકટરોને તાલીમ આપવામાં આવી છે. અમદાવાદની એમ પી શાહ કેન્સર હોસ્પિટલ, સારવારની શ્રેણીના સંદર્ભમાં, ભારતની બીજી સૌથી મહત્વપૂર્ણ કેન્સર હોસ્પિટલ ગણાય છે. શિક્ષણ, આરોગ્ય અને કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરતી તેમના કુટુંબની સખાવતી સંસ્થાઓ ઉપરાંત અનંતભાઇ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી, ભારતીય વિદ્યા ભવન, બ્રૂક, સ્કોપ, ગ્લોબલ ગિવિંગ, ટ્રીઝ ફોર સીટીઝ, સિટીઝ, એનિમલ ઇંટરફેથ એલાયન્સ, આઇપાર્ટનર ઇન્ડિયા, પ્રોવેગ, સિટિઝન્સ એડવાઇસ એનફિલ્ડ અને ફરાજા કેન્સર કેર સહિત અન્ય સખાવતી સંસ્થાઓનાં ટ્રસ્ટી અથવા સલાહકાર તરીકે પણ કાર્ય કરે છે.