(Photo by Darrian Traynor/Getty Images)

ક્રિકેટ જગત શેન વોર્નની અચાનક વિદાયમાંથી બેઠું થાય તે પહેલા ઓસ્ટ્રેલિયામાંથી વધુ આઘાતજનક સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું છે. 46 વર્ષના સાયમન્ડ્સની કાર ક્વીન્સલેન્ડનો ટાઉન્સવિલે પાસે અકસ્માત સર્જાયો હતો. ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે લગભગ 10-30 વાગ્યે તેમની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે કાર સાયમન્ડ્સ પોતે જ ચલાવી રહ્યા હતા. અચાનક તેમની કાર રસ્તા પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી. ઘટના સ્થળ પર પહોંચેલી ઈમર્જન્સી ટીમે તેમને બચાવવાની કોશિશ કરી હતી પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

ઓસ્ટ્રેલિયા માટે 26 ટેસ્ટ મેચ રમનારા સાયમન્ડ્સે 198 વન-ડેના કરિયરમાં ક્રિકેટ જગતમાં ઊંડી છાપ છોડી છે. સાયમન્ડ્સ ક્રિકેટની દુનિયામાં અકધારું રાજ કરનારી ટીમનો 1999-2007 દરમિયાન ભાગ રહ્યા હતા. અચાનક ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટરનું મોત થયાની ખબર આવતા દુનિયાભરમાં ક્રિકેટ પ્રેમીઓને ભારે આઘાત લાગ્યો છે. તેમને સાથી ક્રિકેટર્સને પણ ભારે આઘાત લાગ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે લખ્યું છે કે, “આ ઘણું તકલીફ આપનારું છે.”

સાયમન્ડ્સના મોતથી ઓસ્ટ્રેલિયા સહિત આખી દુનિયાના ક્રિકેટ ફેન્સમાં ગમગીની છવાઈ ગઈ હતી. રોડ માર્શ અને શેન વોર્ન જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ આ વર્ષે દુનિયા છોડી ગયા બાદ સાયમન્ડ્સનું મોત થતા ભારે આઘાત લાગ્યો હતો. પૂર્વ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માર્ક ટેલરે કહ્યું કે, “આ ક્રિકેટ માટે એક દુઃખભર્યો દિવસ છે.”

2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્રુ સાયમન્ડ્સે દાવો કર્યો હતો કે ભારતીય ઓફ સ્પિનર હરભજનસિંહે તેમને મંકી (બંદર) કહ્યા હતા. જોકે, સચિન આ ઘટનાના સાક્ષી હતી અને ભારતીય ઓફ સ્પિનરને આ મામલે સુનાવણી બાદ ક્લીન ચીટ મળી હતી. આ ઘટનાને ‘મંકીગેટ’ કહેવામાં આવે છે.સાયમન્ડે ઓસ્ટ્રેલિયા માટે પોતાની અંતિમ મેચ 2009માં રમી હતી. એક મહિના પછી ટીમે તેમને દારુ પીવા સંબંધિત અને અન્ય મુદ્દાને લઈને ઘણાં નિયમો તોડવા બાબતે તેમને વર્લ્ડ T20થી પરત ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા અને આ પછી તેમનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ ગયું હતું.