Radical cleric Anjem Choudary (Photo by DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

ગયા અઠવાડિયે આતંકવાદના ગુનાની શંકાના આધારે ધરપકડ કરાયેલા ઇસ્ટ લંડનના બ્રિટિશ કટ્ટરપંથી ઇસ્લામીસ્ટ ઉપદેશક અંજેમ ચૌધરી, (ઉ.વ. 56) અને કેનેડાના ખાલેદ હુસૈન (ઉ.વ. 28) પર આતંકવાદના ગુના હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

અંજેમ ચૌધરી પર પ્રતિબંધિત સંગઠનની સદસ્યતા, પ્રતિબંધિત સંગઠનને સમર્થન આપવા માટે સભાઓને સંબોધિત કરવાનો અને આતંકવાદી અધિનિયમ 2000ની કલમ 56 હેઠળ આતંકવાદી સંગઠનને નિર્દેશિત કરવાનો આરોપ રવિવાર, 23 જુલાઈના રોજ મૂકાયો હતો.

સોમવાર, 17 જુલાઈના રોજ અંજેમ ચૌધરીની ઇસ્ટ લંડનમાંથી અને કેનેડાથી ફ્લાઇટમાં હિથ્રો એરપોર્ટ પર આવનાર કેનેડિયન નાગરિક ખાલેદની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને સોમવારે, 24 જુલાઈના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થવા માટે કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

ચૌધરીની સોમવારે તા. 17ના રોજ પરોઢીયે દરોડો પાડી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઇસ્ટ લંડનમાં ત્રણ સરનામાં પર તપાસ કરી હતી. ગત જાન્યુઆરીમાં, ચૌધરીએ એક બ્લોગ પોસ્ટમાં ડ્યુક ઑફ સસેક્સની નિંદા કરી હતી, જેમાં તેમણે અફઘાનિસ્તાનમાં સેવા આપતી વખતે 25 તાલિબાન લડવૈયાઓને મારી નાખ્યા હતા તેમ જણાવ્યું હતું. તે સમયે, ટોરીના સાંસદ ટોબીઆસ એલવુડે આરોપ લગાવ્યો હતો કે અંજેમ ચૌધરી પ્રિન્સ હેરીના નિવેદનનો ઉપયોગ ‘નફરત ફેલાવવા’ માટે કરી રહ્યા હતા.

અંજેમ ચૌધરીને 2016માં ઇસ્લામિક સ્ટેટ જૂથ દાયેશને સમર્થન આપવાના એક આતંકવાદી આરોપ બદલ દોષિત ઠેરવી સાડા પાંચ વર્ષની જેલની સજા કરાઇ હતી. તેને 2018માં કડક લાઇસન્સિંગ શરતો પર મુક્ત કરાયો હતો. જેમાં તેને સંવેદનશીલ બાબતો પર જાહેરમાં બોલવા અથવા પત્રકારો સાથે વાત કરતા અટકાવાયો હતો. જે પ્રતિબંધો 2021માં હટાવાયા હતા.

ચૌધરીએ અલ-મુહાજીરોન સહિત અનેક ઉગ્રવાદી જૂથોનું નેતૃત્વ કર્યું હતું, જે ન્યૂયોર્કમાં સપ્ટેમ્બર 11, 2001ના હુમલા અને લંડનમાં 7 જુલાઈ, 2005ના બોમ્બ ધડાકા પછી ઘડવામાં આવેલા આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પ્રતિબંધિત હતા. ઑફ-ડ્યુટી સૈનિક લી રિગ્બીની હત્યા માટે જવાબદાર સહિત યુ.કે.માં દોષિત ઠેરવવામાં આવેલા કેટલાક આતંકવાદીઓ, અલ-મુહાજીરોન અથવા તેની સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાણ ધરાવતા હતા.

LEAVE A REPLY

five × 2 =