. (ANI Photo)

ભારતની વિતેલા વર્ષોની ચેમ્પિયન એથ્લીટ અંજુ બોબી જ્યોર્જને વર્લ્ડ એથ્લેટિક્સના વુમન ઓફ ધ યર એવોર્ડની વિજેતા જાહેર કરાઈ છે. અંજુએ ૨૦૧૬માં યુવા મહિલા ખેલાડીઓ માટે શરૂ કરેલી ટ્રેનિંગ એકેડમીમાં તૈયાર થયેલી શૈલી સિંઘે તાજેતરમાં જ વર્લ્ડ અંડર-૨૦ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને રમત થકી ભાવિ નેતૃત્વ માટે તૈયાર કરવાની સાથે જેન્ડર ઈક્વાલિટીનો પ્રયાસ કરવા બદલ અંજુના સાહસની સરાહના કરવામાં આવી હતી.

૨૦૦૩માં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અંજુ બોબી જ્યોર્જે મહિલાઓની લોંગ જમ્પ ઈવેન્ટમાં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. વર્લ્ડ એથ્લેટિક્સે તેના ટ્વીટર હેન્ડલ પર જાહેર કર્યું હતું કે, વર્લ્ડ એથ્લેટિક્સ એવોર્ડ્સમાં વિમેન ઓફ ધ યરનો એવોર્ડ જીતવા બદલ અંજુ બોબી જ્યોર્જને અભિનંદન. તેમણે ભારતમાં રમતને પ્રોત્સાહન આપવામાં તેમજ અન્ય મહિલાઓ અને છોકરીઓને તેમના પગલે ચાલીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી.

નિવૃત્તિ પછી પણ અંજુ સ્પોર્ટ્સ સાથે જોડાયેલી રહી છે. તેણે છોકરીઓ માટે ટ્રેનિંગ એકેડમી શરૂ કરી તેમાંથી આજે વિશ્વને અંડર-૨૦ મેડાલીસ્ટ મળી છે. તેણે છોકરીઓમાં રમત થકી નેતૃત્વની ભાવનાનો વિકાસ કર્યો છે, સાથે સાથે જેન્ડર ઈક્વાલિટીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. અંજુએ આ એવોર્ડ સ્વીકારતાં વર્લ્ડ એથ્લેટિક્સનો આભાર માન્યો હતો.