(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની મંગળવારે રાત્રે જાહેરાત કરીને અરિજીત સિંહે તેમના અનેક ચાહકો અને ઉદ્યોગના સાથીદારોને ચોંકાવી દીધાં હતાં. બે વાર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ગાયકે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચાહકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને ફિલ્મોમાં સક્રિય ગાયકમાંથી નિવૃત્તિના પોતાના નિર્ણયની જાણ કરીને તેમના હૃદય તોડી નાખ્યાં હતાં.

સલમાન ખાન અભિનીત ફિલ્મ બેટલ ઓફ ગલવાન માટે શ્રેયા ઘોષાલ સાથે ગાયેલા “માતૃભૂમિ” ગીતને પ્રજાસત્તાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર રિલીઝ થયાના થોડા દિવસો પછી તેમણે આ મોટી જાહેરાત કરી હતી.

38 વર્ષીય અરિજિત સિંહે અચાનક અલવિદા કેમ કીધી તે પ્રશ્નનો જવાબ ઘણા લોકોને મૂંઝવી શકે છે, પરંતુ જે લોકો ગાયકને નજીકથી જાણે છે તેમના માટે આ નિર્ણય કોઈ મોટી આશ્ચર્યજનક વાત નથી.

અરિજિતે જણાવ્યું હતું કે “આની પાછળ એક કારણ નથી, ઘણા કારણો છે અને હું ઘણા સમયથી આ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. આખરે મેં યોગ્ય હિંમત ભેગી કરી છે. એક કારણ સરળ હતું, મને ખૂબ જ ઝડપથી કંટાળો આવે છે, તેથી જ હું એક જ ગીતોની ગોઠવણી બદલતો રહું છું અને સ્ટેજ પર રજૂ કરું છું. તો વાત એ છે કે મને કંટાળો આવી ગયો હતો.”

અરિજિત સિંહના નિર્ણયને સમજવા માટે તેમની ફિલ્મોની કારકિર્દી પર એક નજર નાખવી જરૂરી છે. તેઓ 2005ના રિયાલિટી શો ફેમ ગુરુકુલમાં સ્પર્ધક હતાં, જેમાં તેમને ફિનાલે પહેલા જ વોટ આપીને બહાર કરી દેવામાં આવ્યા હતાં.
અરિજીત સિંહે 2010માં તેલુગુ ફિલ્મ કેદી સાથે પ્લેબેક સિંગિંગમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમને બોલિવૂડમાં બ્રેક એક વર્ષ પછી મર્ડર-2 સાથે મળ્યો, જેમાં તેમણે મોહમ્મદ ઇરફાન સાથે “ફિર મોહબ્બત કરને ચલા હૈ દિલ” ગીત ગાયું હતું. જોકે હિન્દી ફિલ્મોમાં તેમની સફળતા આશિકી 2 સાથે આવી હતી, જે 2013 માં રિલીઝ થઈ હતી.

તેમણે ફિલ્મોના ટ્રેક અને તેમના સિંગલ્સનું મિશ્રણ કરીને 800થી વધુ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે, જે દર વર્ષે સરેરાશ 53થી વધુ ગીતો છે. તેમણે સાન્યા મલ્હોત્રા અભિનીત પગ્ગ્લાઈટ જેવી ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે.

આ ઉપરાંત, તેઓ દેશ અને વિદેશમાં સતત લાઇવ શો અને પ્રવાસો કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષો પર નજર કરીએ તો કદાચ એક પણ વર્ષ એવું નહીં હોય જ્યારે સંગીત પ્રેમીઓને અરિજીત સિંહનો અવાજ સાંભળવા ન મળ્યો હોય.
મુંબઈની ચમક-ઝગમગાટ અને ગ્લેમરથી દૂર, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં જન્મેલા અરિજિત સિંહ ક્યારેય સેલિબ્રિટી પાર્ટીઓમાં મુખ્ય સ્થાન ધરાવતા નહોતાં. તેમના મીડિયા ઇન્ટરવ્યુ પણ ખૂબ ઓછા છે.

LEAVE A REPLY