• એક્સક્લુસીવ
  • બાર્ની ચૌધરી

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બીએમએ) સહિત દેશના અગ્રણી ડોકટરોએ જણાવ્યું હતું કે યુકેની કેન્સર સ્ક્રિનિંગ સેવાઓ ખાસ કરીને મહિલાઓ સહિત સાઉથ એશિયનોની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ અને સાંસ્કૃતિક રીતે વધુ સક્ષમ હોવી જોઈએ. નિષ્ણાંતોએ વારંવાર કહ્યું છે કે આપણે જેટલા પાછળથી આપણા ફેમિલી ડોક્ટર કે જીપીની મુલાકાત લઈએ તેટલો આપણો જીવિત રહેવાનો દર ઓછો થાય છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશન (બીએમએ)ના પૂર્વ અધ્યક્ષ અને રેસિયલ એન્ડ એથનિક ઇક્વાલીટી ફોરમના ચેરમેન ડૉ. ચાંદ નાગપોલે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’સાઉથ એશિયાની મહિલાઓને શ્વેત સ્ત્રીઓની સરખામણીમાં કેન્સરના લક્ષણો વિશે જાણ થવાની અને તેઓ સ્તન અને સર્વાઇકલ કેન્સરની તપાસમાં હાજરી આપે તેવી શક્યતા ઓછી છે. આંતરડાના કેન્સર માટે સમગ્ર એશિયાઈ લોકોની તપાસ થવાની શક્યતા ઓછી છે. આ ક્ષેત્રે ઘણું કામ કરવાનું બાકી છે. આપણી લોકોમાં એક સમસ્યા છે કે આપણે કેન્સર વિશે વાત કરતા નથી, તેને છુપાવીએ છીએ, અને પછીથી લક્ષણોની રજૂઆત કરીએ છીએ. આપણી આરોગ્ય સેવા વંશીય સમુદાયો માટે જે રીતે માહિતી રજૂ કરે છે તે રીતે તેઓ સાંસ્કૃતિક રીતે સક્ષમ નથી. જેમ કે સ્ત્રીઓને પોતાના સ્ત્રીરોગ સંબંધી ફરિયાદો પુરૂષ ડૉક્ટરને રજૂ કરવા અંગે સમસ્યાઓ હોઈ શકે છે. આ બાબતે પૂરતી સમજ નથી. મને ખૂબ આશા છે કે પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટની નિખાલસતા લોકોને કેન્સરના નિદાન માટે અને કેન્સર સ્ક્રીનીંગ માટે આગળ આવવા પ્રોત્સાહિત કરશે.’’

ડૉ. નાગપોલે કહ્યું હતું કે “લોકોના GP પરત્વેના સંતોષના રાષ્ટ્રીય ડેટા મુજબ સાઉથ એશિયાના લોકો GP એપોઇન્ટમેન્ટ લેવાની ક્ષમતામાં સૌથી ઓછા સંતુષ્ટ છે. લોકોને GPને મળવું સરળ નથી લાગતું. NHS એ સામાન્ય કેન્સરના ચિહ્નો અને લક્ષણો વિશે વધુ જાગૃતિ સાથે, વંશીય સમુદાયોમાં હેલ્થ પ્રમોશન અને સ્ક્રીનીંગને પ્રોત્સાહન આપવા માટે વધુ સાંસ્કૃતિક રીતે સક્ષમ અભિગમ વિકસાવવાની જરૂર છે. સૌથી વહેલી તકે GPને સ્ક્રીનીંગ કરવાના મહત્વ પર પ્રકાશ પાડવો જોઈએ અને હવે તો ઘણા કેન્સરની અસરકારક સારવાર ઉપલબ્ધ છે. જે ભય અને કલંકને દૂર કરે છે. સમુદાયના નેતાઓ સાથે કામ કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળશે.”

ડૉ. નાગપૉલે કહ્યું હતું કે “આજે, અદ્યતન સર્જીકલ, રેડિયોલોજિકલ અને કીમોથેરાપ્યુટિક ઉપચારો ઉપલબ્ધ છે અને પ્રારંભિક તબક્કે કેન્સરની સારવારથી ફાયદો થાય છે અને તે સ્તન અને સર્વાઇકલ કેન્સર માટે ફાયદાકારક હોઈ શકે છે. હેલ્થકેર પ્રોફેશનલ્સને તેમની સાંસ્કૃતિક વર્તણૂકોની સમજને સુધારવા માટે લક્ષિત તાલીમ આપવી જોઇએ. કેટલાક સાઉથ એશિયનોને કેન્સરના લક્ષણો સાથે રજૂ કરવામાં વિલંબ કરી શકે છે. હાલમાં શંકાસ્પદ કેન્સર માટે નિષ્ણાતને મળવાના અને સારવાર શરૂ કરવા માટેના NHS લક્ષ્યાંકો પૂરા થઈ રહ્યાં નથી. દર્દીઓને નિદાન માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. યુકે અન્ય OECD રાષ્ટ્રોની તુલનામાં કેન્સરના પરિણામોના ડેટા બાબતે વધુ ખરાબ છે. 10 માંથી ચાર કેન્સર સંભવિત રીતે અટકાવી શકાય તેવા હોય છે અને તે સરકારની જવાબદારી છે. ”

NHS સાઉથ એશિયાના લોકોને વિશ્વની સૌથી મોટી મલ્ટી-કેન્સર સ્ક્રીનીંગ ટ્રાયલમાં ભાગ લેવા વિનંતી કરી રહ્યું છે. જે NHS અને હેલ્થકેર કંપની GRAIL સાથે ભાગીદારીમાં કેન્સર રિસર્ચ યુકે અને કિંગ્સ કોલેજ લંડન કેન્સર પ્રિવેન્શન ટ્રાયલ યુનિટ દ્વારા ચલાવવામાં આવે છે.

ગ્રેલ યુરોપના પ્રમુખ ડો. સર હરપાલ કુમારે જણાવ્યું હતું કે “કેન્સરનું નિદાન થવા અંગે હજુ પણ ચિંતા છે. લોકોને લાગે છે કે જો તેમને કેન્સર હોવાનું નિદાન થયું એટલે તેના ખૂબ જ ખરાબ પરિણામ હોઈ શકે છે. પણ જો આપણે કેન્સરને વહેલા ઓળખી લઇએ તો ખરેખર સારું પરિણામ આવી શકે છે. તે માટે રાહ જોવાની જરૂર નથી પણ નિદાનની તકોનો લાભ લેવો પડશે. ત્રણ વર્ષના અભ્યાસમાં ભાગ લેતા લોકોએ ત્રણેય બ્લડ ટેસ્ટ કરાવવા જોઇએ. જેના તારણો 2026માં જાહેર થાય તેવી આશા છે. સાઉથ એશિયાના લોકોને કેન્સરની તપાસ કરાવવા માટે સમજાવવા સમુદાય અને ધાર્મિક નેતાઓએ મોટી ભૂમિકા ભજવવાની છે. આ માટે આપણા સમગ્ર સમુદાયોમાં આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે, જેથી આપણા સગાં સંબંધીઓ આ તપાસ વિશે આત્મવિશ્વાસ અનુભવે છે. કેટ મિડલટનના ખુલાસાને પગલે વધુ મહિલાઓ કેન્સરને વહેલા પકડવા પોતાનું પરીક્ષણ કરાવશે.’’

કિંગ ચાર્લ્સે પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવ્યું તે પછી NHS ઈંગ્લેન્ડના તે વિશેના વેબપેજ પર મુલાકાતીઓમાં 1000 ટકાનો વધારો થયો હતો.

એશિયન વુમન કેન્સર ગ્રૂપના અધ્યક્ષ રોહિણી પટેલે જણાવ્યું હતું કે, “મારા વર્ષોના અનુભવ પરથી શોધી કાઢ્યું છે કે આરોગ્યની પ્રાથમિકતાનો અભાવ, જીવનસાથી પર વધુ નિર્ભરતા અને નમ્રતા જેવા સાંસ્કૃતિક અવરોધોને કારણે લોકોને લાગે છે કે મદદ મેળવવી તે એક કલંક છે અને લોકો તેમના પરિવાર પર બોજ આવશે તેવી ચિંતા કરે છે. તેમને વહેલા નિદાનનું મૂલ્ય સમજાતું નથી. અમારા સભ્યોએ ક્લિનિકલ ટ્રાયલ પ્રક્રિયામાં પણ આરામની અછતનો પણ ઉલ્લેખ કર્યો છે. મને લાગે છે કે જીવનશૈલીની પસંદગીઓ વિશે કાળજી અને શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે વધુ જાગૃતિ ધરાવતા કાર્યક્રમોની જરૂર છે.”

ડોકટરો અને અન્ય નિષ્ણાતો માને છે કે સાઉથ એશિયાના લોકો મોડેથી ડોક્ટરની મુલાકાત લે તે પાછળનું કારણ એ હતું કે તેમને શંકા હતી કે  તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવશે.

કોવિડ રોગચાળા દરમિયાન, ‘ગરવી ગુજરાત’ના લેખોની શ્રેણી દ્વારા જાહેર કર્યું હતું કે કેવી રીતે સાઉથ એશિયાના લોકોને રસી ન અપાય તેવી અપ્રમાણસર શક્યતા હતી.

NHS અને GRAIL દ્વારા કેન્સર માટેના આગામી સ્ક્રીનીંગના સ્થળ, તારીખ અને સમય નીચે મુજબ છે.

  • ફ્રેન્કલી બીચીસ રોડ, બર્મિંગહામ: 17 એપ્રિલ – 15 મે.
  • સેઇન્સબરી સ્ટોર, ટ્રિનિટી સ્ટ્રીટ, બોલ્ટન: 3 – 24 મે.
  • ટેસ્કો, હેમિલ્ટન, લેસ્ટર: 17 મે – 18 જૂન.
  • અસ્ડા, નનીટન રોડ, નનીટન: 13 – 28 જૂન.
  • ટેસ્કો એક્સ્ટ્રા, ટોપ વેલી વે, નોટિંગહામ: 21 જૂન – 2 જુલાઈ.

ટ્રાયલ વિશે વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરો https://www.nhs-galleri.org/

વધુ માહિતી માટે જુઓ એશિયન વુમન કેન્સર ગ્રુપની વેબસાઇટ www.asianwomencancergroup.co.uk/

LEAVE A REPLY

five × one =