યુકેની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ મંગળવારે જાહેરાત કરી હતી કે, તેણે વિશ્વભરમાંથી તેની કોવિડ-19 રસીને પરત મંગાવવાનું શરૂ કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, આ રસીમાં થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS)ની દુર્લભ આડઅસર થવાની સંભાવના હોવાનું સ્વીકાર્યાના દિવસો પછી વૈશ્વિક સ્તરેથી રસીને પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મહામારી પછી ‘ઉપલબ્ધ આધુનિક રસીઓના વધારાના’ કારણે તેને પરત લેવામાં આવી રહી છે. એસ્ટ્રાઝેનેકાએ ઓક્ષફર્ડ યુનિવર્સિટી સાથે વિકસાવેલી કોરોના વાયરસ પ્રતિકારક રસીને કારણે બ્લડક્લોટીંગ જેવી ગંભીર આડ અસર થતી હોવાનો ખુલાસો થયા પછી વિશ્વભરમાં વિવાદ થયો હતો. તેથી કંપનીએ આવો મોટો નિર્ણય લીધો છે, જેમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીનો પણ સમાવેશ થાય છે.

તાજેતરમાં એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં રસીની આડઅસરો અંગે સ્વીકાર કર્યો હતો. કંપનીએ સ્વીકાર્યું છે કે તેની રસી કેટલાક દુર્લભ કિસ્સાઓમાં લોહી ગંઠાઈ જવા અને પ્લેટલેટની ઓછી સંખ્યા જેવી સમસ્યાનું કારણ બની શકે છે. ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશિલ્ડ નામની રસી એસ્ટ્રાઝેનેકાની જ ફોર્મ્યુલા પર આધારિત છે. એસ્ટ્રાઝેનેકાએ કંપનીએ એવી પણ દલીલ કરી હતી કે, વ્યાપારી કારણોસર રસી પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે બજારમાં કોરોના માટે વધુ પ્રમાણમાં વેક્સીન ઉપલબ્ધ હોવાને કારણે તેમણે તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે, આધુનિક રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે વાયરસના નવા વેરિઅન્ટ સામે રક્ષણ આપવા સક્ષમ છે.

કંપની યુકેમાં 100 મિલિયન પાઉન્ડના કેસનો સામનો કરી રહ્યો છે. બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે રસી દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નું કારણ બની શકે છે. બ્રિટનમાં તેના કારણે અંદાજે 81 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, એસ્ટ્રાઝેનેકાએ એ વાતને ફગાવી છે કે કોવિશિલ્ડ પાછી ખેંચવાનો નિર્ણય કોર્ટના કેસ સાથે સંબંધિત છે.

LEAVE A REPLY

18 + seven =