ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટેનું મતદાન 7મી મેના રોજ મતદાન પૂર્ણ થતાં રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ફરીથી ચર્ચામાં આવ્યા હતા. ગુજરાતમાં ચૂંટણી દરમિયાન ક્ષત્રિય સમાજ માટેના નિવેદન બદલ વિવાદમાં રહેલા રૂપાલાએ મીડિયા સમક્ષ ફરીથી માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે, “મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી રહી છે. પણ આ ચૂંટણીમાં મારા એક નિવેદનથી ક્ષત્રિય સમાજનું આંદોલન થયું અને જે સ્થિતિ સર્જાઇ તેનાથી મારા સંપૂર્ણ રાજકીય જીવનમાં સૌથી પીડાદાયક ચૂંટણીનો અનુભવ મેં કર્યો છે.”

તેમણે સૌ પ્રથમ શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ તે માટે સહુનો આભાર વ્યક્ત કર્યો. તેમણે વધુમાં કહ્યું હતું કે, “હું નિખાલસતાથી કબૂલ કરું છું કે આ ચૂંટણીનો દોર મારા માટે કઠિન રહ્યો છે. મારી જ ભૂલ હતી અને ત્યારબાદ જે સ્થિતિ ઊભી થઈ તેના માટે હું જ જવાબદાર છું. મારા કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મારા પક્ષના સાથીદારોને પણ ક્યાંક સહન કરવું પડ્યું છે તેનો મને રંજ છે.” આ દરમિયાન રૂપાલાએ ફરીથી ક્ષત્રિય સમાજની માફી માગી હતી અને આગામી દિવસોમાં રાષ્ટ્રના વિકાસના પ્રવાહમાં ભળી જવા અને હવે કોઈ વૈમનસ્ય ઊભું ન થાય તે માટે સહુએ સાથે મળીને પ્રયાસો કરવા અપીલ કરી હતી. મતદાન બાદ ચૂંટણીના પરિણામો અંગે તેમણે અટકળો કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “હવે ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે મતદાનની ચર્ચાનો કોઈ અર્થ નથી એટલે આજે ફરી સૌનો આભાર માનવા અને માફી માગવા આવ્યો છું.”

LEAVE A REPLY

three × five =