જ્યોર્જીઆના આટલાન્ટા વિસ્તારમાં આવેલા ત્રણ ડે સ્પા ખાતે ગોળીબારની ઘટનાઓમાં છ એશિયન અમેરિકન મહિલાઓ સહિત આઠ લોકોના મોત નિપજ્યા હતા. એટલાન્ટાની પોલીસે ગોલ્ડ સ્પોની બહાર તપાસ ચાલુ કરી હતી. (REUTERS/Chris Aluka Berry)

જ્યોર્જીઆના આટલાન્ટા વિસ્તારમાં આવેલા ત્રણ ડે સ્પા ખાતે ગોળીબારની ઘટનાઓમાં છ એશિયન અમેરિકન મહિલાઓ સહિત આઠ લોકોના મોત નિપજ્યા હતા. ગોળીબારની આ ત્રણે ઘટનાઓમાં એક અપરાધી સંડોવાયેલો હોવાનું મનાય છે, જેની થોડા કલાકો પછી દક્ષિણ જ્યોર્જીઆ વિસ્તારમાંથી ધરપકડ કરાઈ હોવાનું પોલીસ જણાવ્યું હતું.

સત્તાવાળાઓએ આ હિંસાખોરી પાછળનો કોઈ આશય હજી સુધી જણાવ્યો નથી, પણ ન્યૂ યોર્ક પોલીસ ડીપાર્ટમેન્ટના કાઉન્ટર ટેરરિઝમ વિભાગે તકેદારીના પગલાંરૂપે એશિયન સમુદાયના લોકોની વસતી વધુ હોય તેવા વિસ્તારોમાં વધારાનું પોલીસ પેટ્રોલિંગ કરવાની જાહેરાત કરી હતી.

મંગળવારે સાંજે સ્થાનિક સમય મુજબ લગભગ પાંચ વાગે ચેરોકી કાઉન્ટીમાં યંગ્સ એશિયન મસાજ ખાતે ગોળીબારની પહેલી ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા હતા, તો વધુ એકને ઈજાઓ થઈ હતી. ત્યાં માર્યા ગયેલા લોકોમાં બે એશિયન અમેરિકન અને એક વ્હાઈટ મહિલા તથા એક વ્હાઈટ પુરૂષનો સમાવેશ થાય છે. આ સ્થળ એટલાન્ટાની ઉત્તરે 40 માઈલ દૂર આવેલું છે.

બીજી બે ઘટનાઓમાં આટલાન્ટામાં ગોલ્ડ સ્પા બ્યુટી સલૂન ખાતે ગોળીબારમાં ત્રણ મહિલાઓને ઠાર કરાઈ હતી, તો તેનાથી થોડા જ અંતરે આવેલા એક અન્ય એરોમા થેરાપી સ્પા ખાતે ફાયરિંગમાં વધુ એક મહિલાની હત્યા કરાઈ હતી. એટલાન્ટાની ઘટનાના તમામ મૃતકો એશિયન અમેરિકન્સ હતા.

પોલીસે આપેલી માહિતી અનુસાર ચેરોકી કાઉન્ટીના વુડસ્ટોકના રહેવાસી 21 વર્ષના રોબર્ટ આરોન લોંગની લગભગ રાત્રે 8.30 કલાકે ક્રિસ્પ કાઉન્ટીમાંથી ધરપકડ કરાઈ હતી. આ વ્હાઈટ શકમંદ અપરાધીનો ફોટો પણ પોલીસે રીલીઝ કર્યો હતો. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે તપાસકર્તાઓને ખૂબજ વિશ્વાસ છે કે, ગોળીબારની ત્રણે ઘટનાઓમાં આ એક જ અપરાધી સંડોવાયેલો છે.
સત્તાવાળાઓએ એવું પણ જણાવ્યું હતું કે આ ઘટના પાછળના કારણોની તાત્કાલિક કોઈ માહિતી મળી નથી, એવું પણ હજી ચોક્કસપણે કહી શકાય નહીં કે ભોગ બનેલાઓને તેમની વંશીય ઓળખના લીધે ટાર્ગેટ કરાયા હતા.