(ફાઇલ ફોટો) હિમાચલપ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું બુધવારે શંકાસ્પદ મોત થયું હતું. દિલ્હીમાં સાંસદના નિવાસસ્થાન તેમની પંખે લટકતી લાશ મળી આવી હતી. (PTI Photo/Manvender Vashist)

હિમાચલપ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ રામસ્વરૂપ શર્માનું બુધવારે શંકાસ્પદ મોત થયું હતું. દિલ્હીમાં સાંસદના નિવાસસ્થાન તેમની પંખે લટકતી લાશ મળી આવી હતી. શર્માની ઉંમર 62 વર્ષ હતી. પ્રાથમિક તારણ મુજબ સાસદે આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે. જોકે મોતનુ ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણી શકાશે, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી.

રામસ્વરૂપ શર્માના સ્ટાફે જણાવ્યું કે, સવારે તેઓ રૂમનું બારણુ ખોલવા ગયા ત્યારે તે અંદરથી લોક હતું અને અનેક વખત બૂમો પાડવા છતાં તે ખોલવામાં આવ્યું ન હતું. તે પછી પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસે દરવાજો તોડ્યો તે સમયે સાંસદનો મૃતદેહ ગાળિયા સાથે લટકી રહ્યો હતો.

સાંસદ રામસ્વરૂપ શર્માના અવસાનના કારણે ભાજપે બુધવારે યોજાનારી સંસદીય દળની બેઠક રદ કરી હતી. હિમાચલપ્રદેશના મંડી જિલ્લાના જોગિંદરનગરના રહેવાસી રામસ્વરૂપ શર્મા સતત બીજી વખત સાંસદ બન્યા હતા. તેઓ લાંબા સમય સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા રહ્યા હતા.