(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે ડિજિટલ એસેટ બિઝનેસમાં પ્રવેશ કરવા સજ્જ બન્યાં છે. અભિનેતા નવેમ્બર મહિનામાં પોતાનું NFT (non-fungible tokens) લોન્ચ કરશે. તેઓ આ ડિજિટલ એસેટના બિઝનેસ ચાલુ કરનારા પહેલા અભિનેતા હશે.

બચ્ચનના એનએફટીમાં તેમના સાથે જોડાયેલી અજોડ અને મર્યાદિત કલાકૃતિનું કલેક્શન હશે. તેમાં શોલે ફિલ્મના પોસ્ટર, મઘુશાલાના પઠન વગેરેનો સમાવેશ થશે. NFT હકીકતમાં એક ડિજિટલ એસેટ છે. તેમાં કલા, સંગીત, વીડિયો, ગેમ વગેરેનો ડિજિટલ વેપાર થાય છે. તેમાં ક્રિપ્ટો જેવા બ્લોકચેન સોફ્ટવેરનો જ ઉપયોગ કરવામાં આવે છે. NFTનું વેચાણ અને ખરીદી ક્રિપ્ટોકરન્સીમાં થાય છે.

તેઓ આ કલેક્શન માટે રિતી એન્ટરટેઈનમેન્ટ અને નો કોડ એનએફટી એક્સચેન્જ પ્લેટફોર્મ GuardianLink સાથે ભાગીદારી કરી છે. બચ્ચને પોતે આ પાર્ટનરશિપ અંગે વાત કરતા કહ્યું કે, ‘મેં રિતી એન્ટરટેઈનમેઈન્ટ સિંગાપુર જોઈન કર્યું છે અને હું ટૂંક સમયમાં જ આ પ્લેટફોર્મ પર NFT લોન્ચ કરીશ.’

નવેમ્બર મહિનાથી આ પ્લેટફોર્મ પર ડિજિટલ એસેટનું વેચાણ શરૂ થશે. આ એસેટની ખરીદી માટે BeyondLife.Club પર લોગઈન કરવું પડશે. તેમાં એસેટનું કાયદેસર ઓક્શન કરવામાં આવશે. બાદમાં તમે તમારા પાસે રહેલી એસેટનું આ પ્લેટફોર્મ પર વેચાણ પણ કરી શકશો.