
બ્રિટિશ હિન્દુઓ અને બાંગ્લાદેશી ડાયસ્પોરા જૂથોએ બુધવારે લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા. મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર નિર્દોષ લોકોના જીવ બચાવવા માટે પગલાં લે તે સુનિશ્ચિત કરવા બ્રિટિશ સરકારને હાકલ કરી હતી.
‘બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર અત્યાચાર સામે ઉભા રહો’ના નારા સાથેના સામૂહિક પ્રદર્શનમાં બંગાળી હિન્દુ આદર્શ સંઘ (BHAS) UK, ઇનસાઇટ યુકે અને હિન્દુ કાઉન્સિલ યુકે સહિત વિવિધ સંગઠનોના કાર્યકરો પોતાના નાના બાળકો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
વરસાદી સાંજે “#SaveBangladeshiHindus” અને “Save Hindus in Bangladesh” લખેલા પ્લેકાર્ડ લહેરાવતા ભેગા થયેલા લોકોએ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર પાર્લામેન્ટ સંકુલની સામે “હિંદુઓની હત્યા બંધ કરો” ના નારા લગાવ્યા હતા.
હિન્દુ કાઉન્સિલ UK એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનુસ શાસને દેશમાં સત્તા સંભાળી ત્યારથી બાંગ્લાદેશના હિન્દુઓને “લગભગ દરરોજ ઇશ નિંદાના ખોટા આરોપો મૂકી મારી નાખવામાં આવી રહ્યા છે”.
આ જૂથે યુકેના ફોરેન સેક્રેટરી હ્યુવેટ કૂપરને અપીલ કરી છે કે તેઓ “બાંગ્લાદેશમાં નિર્દોષ હિન્દુઓની જઘન્ય ઇસ્લામિક હત્યાઓને ખૂબ જ ગંભીર બાબત ગણાવીને કાર્યવાહી કરે અને ઓછામાં ઓછું બ્રિટિશ સહાય ભંડોળનો ઉપયોગ બાંગ્લાદેશમાં નિર્દોષ પીડિતોને બચાવવા માટે કરે”.
ઇનસાઇટ યુકેએ જણાવ્યું હતું કે પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શન “બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પર ચાલી રહેલા અત્યાચાર, હિંસા, બળાત્કાર અને હત્યાઓ” અંગે જાગૃતિ લાવવા માટે આયોજિત કરવામાં આવ્યું હતું.
આ મુદ્દો હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવવામાં આવતા ગયા અઠવાડિયે, યુકે સરકારે બાંગ્લાદેશમાં “તમામ હિંસાના કૃત્યો”ની નિંદા કરી હતી અને શાંતિપૂર્ણ અને વિશ્વસનીય ચૂંટણીઓ માટે હાકલ કરી હતી.
વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને લેબર સરકારને લઘુમતીઓના રક્ષણ માટે હસ્તક્ષેપ કરવા અને ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીઓ “મુક્ત અને ન્યાયી” થાય તેની ખાતરી કરવા જણાવ્યું હતું.
કોમન્સના નેતા એલન કેમ્પબેલે જણાવ્યું હતું કે “અમે માનવતાવાદી પરિસ્થિતિ સાથે સક્રિયપણે સંકળાયેલા છીએ અને શાંતિપૂર્ણ અને વિશ્વસનીય ચૂંટણીઓ પર વચગાળાની સરકારને સમર્થન આપીએ છીએ.”
બ્રિટિશ હિન્દુઓ અને બાંગ્લાદેશી ડાયસ્પોરા જૂથો ગયા વર્ષના અંતથી લંડનમાં વિરોધ પ્રદર્શનોનું સંકલન કરી રહ્યા છે.











