ન્યૂજર્સીના રોબિન્સવિલેમાં નિર્માણાધિન સ્વામિનારાયણ અક્ષરધામની પાસે 18 જુનના રોજ બીએપીએસ સ્વામિનારાયણ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા ‘સત્સંગ દીક્ષા હોમાત્મક પાઠ’માં સેંકડો હરિભક્તો, સંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રારંભે વિશ્વ શાંતિ માટે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને બાળકોએ વૈદિક શાંતિ પ્રાર્થના અને સંસ્કૃત શ્લોકોનું પઠન કર્યું હતું. વિશ્વભરમાંથી અને નોર્થ અમેરિકામાંથી હજ્જારો લોકો આ સમારંભમાં રૂબરૂમાં અને લાઇવ ટેલીકાસ્ટથી જોડાયા હતા. સંસ્થાનના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અમદવાદથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા અને દીપ પ્રાગટ્ય કરીને ઇન્સ્ટિટ્યૂટનો પ્રારંભ કરાવ્યો હતો, સમારંભના સ્થળે હાજર રહેલા સભ્યોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. આ જ્ઞાનનો દીપ વિશ્વભરમાં પ્રસરે તેવા અને વૈશ્વિક સદભાવ વધે તે માટે વસુધૈવ કુટુમ્બકમની ભાવના આગળ વધારવા અનુરોધ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે 50થી વધુ હિન્દુ મંદિરો અને સંગઠનોના 115થી વધુ પ્રતિનિધિઓ, મહેમાનો, વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્ધાટન માટે પ.પૂ. મહંતસ્વામીએ ભારતથી ખાસ મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને મોકલ્યા હતા. ભદ્રેશદાસસ્વામી હિન્દુ ફિલોસોફી અને સંસ્કૃતના વિશ્વના અગ્રણી વિદ્વાન છે. તેમણે આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટનો સમગ્ર ચિતાર આપીને પ.પૂ. મહંતસ્વામી મહારાજની દીર્ઘદૃષ્ટિ અંગે જણાવ્યું હતું.