ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે સોમવાર , પહેલી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાનો ‘જય અંબે’ના નાદ સાથે પ્રારંભ થયો હતો. આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે તેવો અંદાજ છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે આ વર્ષે ગબ્બર રૂટ, અંબાજી મંદિર, પ્રવેશના ત્રણેય દ્વાર, 51 શક્તિપીઠ સર્કલ તેમજ માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારમાં વિશેષ રોશની કરાશે.
માતાજીના સ્વરૂપ ઉપર આધારીત થીમ બેઝ લાઈટીંગ દ્વારા સમગ્ર વિસ્તારમાં એક સમાન અને ભવ્ય આભા ઊભી કરાઈ છે. મુખ્ય મંદિરને સુંદર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જ્યારે રાત્રિના સમયે ચાચર ચોકમાં દીવાની ઝગમગતી લાઇટિંગ યાત્રાળુઓને આકર્ષિત કરશે.
સરકાર દર્શનાર્થીઓને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરી હતી. બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ ઊભી કરાઈ છે તથા યાત્રાળુઓને લાઈનમાં પીવાના પાણીની સુવિધા મળશે. આ વર્ષે ચાર અલગ-અલગ સ્થળોએ વોટર પ્રૂફ ડોમ ઊભા કરાયા છે.ડોમમાં યાત્રાળુઓ માટે આશરે 1200 બેડ, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ સુવિધા, હાઉસકીપિંગ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશન, અગ્નિશામક સાધનો તેમજ સમાન મુકવાની સુવિધા જેવી વ્યવસ્થાઓ કરાઈ છે.
અંબાજી મહા મેળામાં સૌ પ્રથમવાર ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરના રોજ રાતે 8.30 કલાકે 400 ડ્રોન મારફત ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે. આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોન દ્વારા માતાજીના મંદિરની છબિ, ‘જય માતાજી’નું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતિકોની અદભુત્ રચનાઓ થશે.
પ્રસાદ વિતરણ માટે કુલ 28 પ્રસાદ કેન્દ્રો ઊભા કરાયા છે. મહામેળા દરમિયાન સવારે 6થી 6.30ના આરતી, સવારે 6થી 11.30ના દર્શન, સવારે 11.30થી 12.30ના દર્શન બંધ, બપોરે 12.30થી સાંજે 5 દર્શન, સાંજે 5થી રાતે 12 સુધી દર્શન. રાતે 12થી સવારે 6 વાગ્યે દર્શન બંધ રહેશે.
