(ANI Photo)

ભારતના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 મિશને ગુરુવારે એક મોટો પડાવ પાર કર્યો હતો. ચંદ્રયાનનું લેન્ડર વિક્રમ અવકાશયાનથી સફળતાપૂર્વક અલગ થયું હતું અને હવે 23 ઓગસ્ટે ચંદ્રની પર ઉતરાણ કરે તેવી શક્યતા છે. ઇસરાઓ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે લેન્ડર મોડ્યુલ પ્રોપલ્સન મોડ્યુલ્સથી સફળતાપૂર્વક અલગ થયું હતું. લેન્ડર આવતીકાલે ડિબૂસ્ટ થશે એટલે ઉતરાણ પહેલા તેની ગતિમાં ઘટાડો થશે.

બુધવારે આ અવકાશયાને ચંદ્રની પાંચમી અને છેલ્લી ભ્રમણકક્ષા સફળતાપૂર્વક પાર કરી હતી અને તે ચંદ્રની ભૂમિની વધુ નજીક પહોંચ્યું હતું. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે.

ઇસરોએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે યોજના મુજબ ચંદ્રયાન-3 હવે 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં આવ્યું છે. આની સાથે ચંદ્રની ભ્રમણકક્ષાઓ પૂરી થઈ છે. લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.
અવકાશ એજન્સીના અધ્યક્ષ એસ સોમનાથે તાજેતરમાં જણાવ્યું હતું કે લેન્ડિંગની સૌથી મહત્ત્વપૂર્ણ બાબત લેન્ડરના વેગમાં ઘટાડો કરવાની પ્રક્રિયા છે. તે અંતિમ ઉતરાણના સ્થળથી 30 કિમીની ઊંચાઇએ હોય ત્યારે આ પ્રક્રિયા કરાશે. અગાઉનું મિશન એટલે કે ચંદ્રયાન-2 વખતે આ પ્રક્રિયામાં સમસ્યા ઊભી થઈ હતી અને તેનાથી સોફ્ટ લેન્ડિંગ થઈ શક્યું ન હતું. આ વખતે વ્યાપક સિમ્યુલેશન કરાયાં છે અને ગાઇડન્સ ડિઝાઇન બદલવામાં આવી છે. આ તમામ પાસાંને ધ્યાનમાં રાખીને યોગ્ય લેન્ડિંગ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

ચંદ્રયાન-3નો હેતુ ચંદ્ર પર સુરક્ષિત લેન્ડિંગ અને રોવિંગ ક્ષમતાને પ્રદર્શિત કરવાનો છે. આ અવકાશ યાનમાં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

ten + 12 =