ફાઇલ ફોટો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ભારતીય જનતા પાર્ટીએ ગત ગુરૂવારે, 7 ઓક્ટોબરે પક્ષની ​​રાષ્ટ્રીય કારોબારીના સભ્યોના નામની યાદી જાહેર કરી હતી જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ગુજરાતનો દબદબો છે. પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાંથી વરુણ ગાંધી, મેનકા ગાંધી અને ચૌધરી વિરેન્દ્ર સિંહને પડતા મુકવામાં આવ્યા છે. આ સાથે જ વિનય કટિયાર, સુબ્રમણ્યમ સ્વામીને પણ કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, અમિત શાહ, પિયુષ ગોયલ વગેરેનો રાષ્ટ્રીય કારોબારી માટે પાર્ટી દ્વારા જાહેર કરાયેલા 80 નામોની યાદીમાં સમાવેશ થાય છે.

કારોબારીમાં 50 વિશેષ આમંત્રિતો અને 179 સ્થાયી આમંત્રિતો પણ હશે, જેમાં મુખ્યપ્રધાનો, નાયબ મુખ્યપ્રધાનો, વિધાનસભા પક્ષના નેતાઓ, ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાનો, રાષ્ટ્રીય પ્રવક્તા , રાષ્ટ્રીય મોરચા પ્રમુખ, રાજ્ય. પ્રભારી, સહ-પ્રભારી, પ્રદેશ પ્રમુખ, રાજ્ય મહામંત્રી સંગઠન અને આયોજકનો સમાવેશ થાય છે. ભાજપની રાષ્ટ્રીય કારોબારી વિવિધ મુદ્દાઓની ચર્ચા કરે છે અને સંગઠનની કામગીરી માટે માળખું નક્કી કરે છે. ગુજરાતમાંથી પણ ઘણાં વરિષ્ઠ નેતાઓનો ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરાયો છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એસ. જયશંકર, મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા, પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, સાંસદ ભારતી બહેન શિયાળ અને રમીલાબહેન બારાનો સમાવેશ કરાયો છે.