BJP suspends seven rebel leaders from the party
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વલસાડમાં નવેમ્બર 19એ જાહેર સભામાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા. (ANI ફોટો)

ગુજરાત ભાજપે તેના સાત બળવાખોર નેતાઓની રવિવારે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. આ નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. આ નેતાઓમાં ભાજપ પ્રદેશ અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અને નાંદોદના ભૂતપૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવા, કેશોદના ભૂતપૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી, ધ્રાંગધ્રાના છત્રસિંહ ગુંજારિયા, પારડીના કેતન પટેલ, રાજકોટના ભરત ચાવડા, વેરાવળના ઉદય શાહ અને લુણાવાડાના જે પી પટેલનો સમાવેશ થાય છે. ગુજરાત ભાજપ પ્રમુખ સી આર પાટીલે બળવાખોરોને સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ રવિવારે આ તમામ બળવાખોરોને તાત્કાલિક અસરથી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે.

27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપે આ વખતે સત્તા વિરોધી લહેરનો સામનો કરવા વિધાનસભાની ચૂંટણીમાં અનેક સિનિયર નેતાઓ અને વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી નથી. તેનાથી ૩૦થી ૩૫ બેઠક પર ઉકળતા ચરૂ જેવી સ્થિતિ પ્રવર્તી રહી હતી. વડોદરાના ત્રણ નેતાઓએ તો ટિકિટ આપવામાં ન આવે તો ખુલ્લંખુલ્લા પાર્ટી સામે બાંયો ચડાવીને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા પ્રદેશથી માંડીને રાષ્ટ્રીય નેતાગીરી ચોંકી ઉઠી હતી. અલબત્ત, પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ પાદરાના દિનુભાઈ પટેલ (દિનુ મામા), વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કરજણના સતિષ નિશાળિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓએ નેતાઓને મળવા કે તેમના ફોન ઉપાડવાનો નન્નો ભણી દીધો હતો. આ નેતાઓ અંગે ભાજપે હજુ કોઇ નિર્ણય કર્યો નથી.

હર્ષદ વસાવાએ આ વખતે તેમણે નાંદોદની બેઠક પરથી દાવેદારી કરી હતી. અરવિંદ લાડાણી કેશોદની બેઠક પરથી ટિકિટ માગી હતી, પરંતુ પાર્ટીએ સરકારના પ્રધાન દેવાભાઈ માલમને રિપીટ કરતા લાડાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરી હતી. ૨૦૧૨માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

જે પી પટેલે લુણાવાડામાં ભાજપના સત્તાવાર ઉમેદવાર ધારાસભ્ય જિજ્ઞેશ સેવક સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેપીપટેલ ભાજપ સંગઠનના કદાવર નેતા ઉપરાંત શૈક્ષણિક અને સહકારી ક્ષેત્રોમાં વર્ચસ્વ ધરાવે છે. કેતન પટેલ પારડી બેઠક પરથી ભાજપના સત્તાવાર ઉમેદવાર-નાણાંપ્રધાન કનુભાઇ પટેલ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. સોમનાથ બેઠક પર ભાજપના નગરસેવક ઉદય શાહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના વર્ષોથી સમર્થક એવા વણિક સમાજના ઉદ્યોગપતિ ઉદય શાહ એક ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સાથે પારિવારિક સંબંધો ધરાવે છે.

LEAVE A REPLY

eleven − ten =