Banaskantha, 04 (ANI): People push a bus that resists moving on a severely waterlogged road following a heavy downpour, at Tharad in Banaskantha on Friday. (ANI Grab)

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થયા પછી સતત સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. રાજ્યમાં રવિવાર, 6 જુલાઇએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના 196 તાલુકામાં 6.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં સૌથી વધુ 6.6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડના કપરાડામાં 4.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધરમપુરમાં 4.45 ઈંચ, દ્વારકામાં 4.48 ઈંચ, સુરતના પલસાણામાં પણ 4.49 ઈંચ વરસાદ વરસ્યો હતો.

રવિવારે (6 જુલાઈ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. સેટેલાઇટ, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુર, મકરબા સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો.

અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીના નવા નીરની આવક થઈ હતી. ઇન્દ્રાશી અને હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતાં. મોડાસા શહેર સહિત તાલુકાના 16 ગામડાઓ એલર્ટ કરાયા હતાં.

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વ્યારામાં સૌથી વધુ 3.5 ઈંચ વરસાદ પડતાં વ્યારાના જેતપુર મેદાવને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. ભારે વરસાદના કારણે વ્યારામાં 10, વાલોડના 2, સોનગઢના 11 અને ડોલવણના 2 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતાં. મીંડોળા, અંબિકા, પૂર્ણા, ઓલન, ઝાખરી નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી.

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં પણ ભારે વરસાદથી કમાલપુર ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળી હતાં. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ધોધમાર વરસાદના કારણે સાની નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા.

LEAVE A REPLY