ભારતની તપાસ એજન્સીઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની પ્રત્યાર્પણ વિનંતીઓ પછી અમેરિકાના અધિકારીઓએ ભાગેડુ નીરવ મોદીના નાના ભાઈ નેહલ મોદીની ધરપકડ કરી હતી, એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.
અમેરિકાની કોર્ટમાં આ મામલાની આગામી સુનાવણી 17 જુલાઈ થશે. કોર્ટમાં બેલ્જિયમના નાગરિક નેહલ મોદી જામીનની માગણી કરી શકે છે. જોકે યુએસ પ્રોસિક્યુટર્સનો તેનો વિરોધ કરી શકે છે. ભારતીય અધિકારીઓની વિનંતી પર ઇન્ટરપોલે નેહલ મોદી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. નેહલ મોદીએ કમિશન ફોર કંટ્રોલ ઓફ ઇન્ટરપોલની ફાઇલ્સ (CCF) સમક્ષ નોટિસ સામે અપીલ કરી હતી, પરંતુ અરજી ફગાવી દેવામાં આવી હતી.
46 વર્ષીય નેહલ મોદી રૂ.13,000 કરોડના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડનો આરોપી છે. ભારતના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડમાં સ્થાન ધરાવતું આ કૌભાંડનું નીરવ મોદી, તેમના કાકા મેહુલ ચોક્સી અને નેહલ મોદીએ ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે. સીબીઆઈ ચાર્જશીટ અનુસાર નીરવ મોદીએ પોતાની કંપનીઓના બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ (LoU) જારી કરીને PNBના આશરે રૂ.6,498 કરોડની ઉચાપત કરી હતી, જ્યારે બાકીની રકમનું કૌભાંડ મેહુલ ચોક્સીએ કર્યું હતું.
બેલ્જિયમના એન્ટવર્પમાં જન્મેલા અને ઉછરેલા નેહલ દીપક મોદી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનો જાણકાર છે. તેના ભાઈ નીરવ મોદી વતી ગુનાની કમાણીનું લોન્ડરિંગ કરવાના આરોપમાં ભારતે તેને વોન્ટેડ જાહેર કરેલો છે. નીરવ મોદી હાલમાં લંડનની જેલમાં કેદ છે અને ભારત સરકાર તેને ભારતમાં લાવવાના પ્રયાસ કરી રહી છે.
નેહલ મોદીએ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરીને શેલ કંપનીઓ અને ઓફશોર વ્યવહારોના ભુલભુલામણી જાળા દ્વારા મોટી રકમના ગેરકાયદેસર નાણાં છુપાવવામાં અને ટ્રાન્સફર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ED ચાર્જશીટમાં નેહલ મોદી પર પુરાવાનો નાશ કરવાનો અને ઇરાદાપૂર્વક નીરવ મોદીને તેના કથિત ગેરકાયદેસર કૃત્યોમાં મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
