બિહારના પટણામાં ભાજપના સાત મોરચાની બેઠકના સમાપનના દિવસે જાહેરાત કરાઇ કે આગામી ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડાશે અને તેઓ જ ફરી દેશના વડાપ્રધાન બનશે.  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને ટાંકીને રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે કહ્યું કે, 2024ની લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે, મોદી ફરી દેશના વડાપ્રધાન હશે.

ભાજપના સાત મોરચાની સંયુક્ત રાષ્ટ્રીય કારોબારીની સમાપન બેઠક રવિવારે યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ રહ્યા હતા. અમિત શાહે પણ આ બેઠકમાં સંબોધન કર્યું હતું.

જ્ઞાન ભવનના અટલ પરિસરમાં અમિત શાહના સંબોધન અંગે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહ કહ્યું કે 2024માં ફરી નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે. અમિત શાહે સ્પષ્ટ કહી દીધું છે કે ભાજપ ગત લોકસભા ચૂંટણી કરતા 2024માં વધુ સીટો જીતશે. આ સાથે જ 2025 સુધી નીતીશ કુમાર જ બિહારના મુખ્યપ્રધાન રહેશે. ભાજપ બિહાર વિધાનસભાની ચૂંટણી પણ જેડીયુ સાથે મળીને લડશે. આ ગઠબંધન વિધાનસભાની સાથે લોકસભા ચૂંટણીમાં પણ ચાલુ રહેશે. આ બેઠકમાં અમિત શાહે કહ્યું કે, દેશના ઇતિહાસમાં પહેલીવાર મોદી સરકારમાં ગરીબો, પછાતો અને વંચિત સમાજને આગળ વધવાનો મોકો આપવામાં આવી રહ્યો છે. અમારી સરકારમાં દરેક સમાજના પ્રધાન છે. એમાં પછાત, અતિ પછાત, આદિવાસી અને દલિત સમાજના પ્રધાન પણ સામેલ છે.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે અમિત શાહે કાર્યકરોને આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને દેશભક્તિની ભાવના પ્રસરે એ માટે 9થી 12 ઓગષ્ટ સુધી ચાર દિવસ સમર્પિત કરવા કહ્યું છે. અરૂણસિંહે એમ પણ કહ્યું કે, પાર્ટીના કાર્યકરોને એવું પણ કહેવામાં આવ્યુ છે કે તેઓ 2024ની ચૂંટણી માટે તૈયારી શરૂ કરે અને પીએમ મોદી સતત ત્રીજી વાર સત્તામાં આવે એ સુનિશ્ચિત કરે. તેમને ગત વખતની ચૂંટણી કરતા વધુ સીટ જીતવાનું લક્ષ્ય આપવામાં આવ્યું છે.