Pelosi
ચીન સાથે તાઇવાનના મુદ્દે વિવાદ વચ્ચે અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ રવિવારે એશિયાના પ્રવાસની પુષ્ટિ કરી હતી. (Photo by Drew Angerer/Getty Images)

ચીન સાથે તાઇવાનના મુદ્દે વિવાદ વચ્ચે અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેન્સી પેલોસીએ રવિવારે એશિયાના પ્રવાસની પુષ્ટિ કરી હતી. જોકે, તેમણે તાઇવાનની મુલાકાતનો કોઇ ઉલ્લેખ કર્યો નથી. પેલોસી સિંગાપોર, મલેશિયા, દક્ષિણ કોરિયા અને જાપાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. ઉલ્લેખનીય છે કે ચીનના પ્રમુખ શી જિનપિંગે તાઇવાન મુદે કોઇ દરમિયાનગીરી નહિ કરવાની ચેતવણી આપી હતી.

પેલોસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “પ્રવાસમાં કોરોના મહામારી, ક્લાઇમેટ ચેન્જ, સુરક્ષા અને લોકશાહી વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવશે.” જોકે, તે તાઇવાનની મુલાકાત લેશે કે નહીં તેની પુષ્ટિ કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, ચાઇનીઝ પ્રેસિડેન્ટ શી જિનપિંગે ગુરુવારે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેનને ફોન કરી ચીન અને તાઇવાનના ઘર્ષણમાં વચ્ચે નહીં પડવાની ચેતવણી આપી હતી.

પેલોસી તાઇવાનની મુલાકાત લેશે તો તે ૧૯૯૭માં એ વખતના સ્પીક ન્યૂટ ગિંગરિચ પછી અમેરિકન સરકારની ત્રણમાંથી એક શાખાના સૌથી ઊંચો હોદ્દો ધરાવતા વડા હશે. પેલોસીના નિવેદનમાં જણાવ્યા અનુસાર “પ્રેસિડેન્ટ બાઇડેનના મજબૂત નેતૃત્વ હેઠળ અમેરિકા અમેરિકા આ વિસ્તારમાં વ્યૂહાત્મક સક્રિયતા માટે કટિબદ્ધ છે. સ્વતંત્ર અને વિકાસશીલ ઇન્ડો-પેસિફિક વિસ્તાર અમારા દેશ અને વિશ્વની સમૃદ્ધિ માટે મહત્વના છે.” ઉલ્લેખનીય છે કે, કમ્યુનિસ્ટ્સ દ્વારા ગૃહ યુદ્ધમાં જીત પછી તાઇવાન અને ચીન ૧૯૪૯માં છૂટા પડ્યા હતા.