સોમવારે ભોપાલમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ ભાજપના નેતા મોહન યાદવને રાજ્યના આઉટગોઇંગ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અભિનંદન આપ્યાં હતા. (ANI Photo)

ભાજપે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે 58 વર્ષીય મોહન યાદવનું નામ જાહેર કરીને મોટું સરપ્રાઇઝ આપ્યું હતું. મોહન યાદવ ઓબીસી કમ્યુનિટીના છે, પરંતુ મધ્યપ્રદેશમાં યાદવ સમુદાય પ્રભાવશાળી નથી. રાજ્યમાં 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાયા પછી અનેક નામોની અટકળો વચ્ચે રાજ્યના નવા વડા તરીકે યાદવની પસંદગી થઈ છે.

મોહન યાદવને ભાજપના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં. રાજ્યનાના ચાર વખતના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તેમના નામની દરખાસ્ત કરી હતી અને તેને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો પ્રહલાદ પટેલ અને નરેન્દ્ર સિંહ તોમર તથા રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે સમર્થન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ નેતાઓ મુખ્યપ્રધાનના હોદ્દાની રેસમાં હતા.

ભાજપે, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા પક્ષમાં વિખવાદને ટાળવા માટે મધ્યપ્રદેશમાં બે નાયબ મુખ્યપ્રધાનો તરીકે જગદીશ દેવડા અને રાજેશ શુક્લાનું નામ જાહેર કર્યું હતું. દેવડા અને  શુક્લા બંનેએ અગાઉની ચૌહાણ સરકારમાં પણ કેબિનેટમાં સ્થાન મેળવ્યું હતું. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મુખ્યપ્રધાનની રેસમાં હતા. મધ્યપ્રદેશની તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કુલ 230 બેઠકોમાંથી 163 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકો મળી હતી.

નવા સીએમના નામની જાહેરાત બાદ શિવરાજ સિંહ ચૌહાણ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યપાલ મંગુભાઈ પટેલને પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. તેમનું રાજીનામું તરત જ સ્વીકારવામાં આવ્યું હતું. નવા સીએમ મોહન યાદવ પણ રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

LEAVE A REPLY

4 × five =