REUTERS/Altaf Hussain

ભારત સાથે ગાઢ સંબંધો માટે એક ઉત્સાહી ચીયરલીડર તરીકે જોવામાં આવતા વડા પ્રધાન બોરિસ જૉન્સનને ભારત-યુકેના સંબંધોને સ્થાપિત કરવા માટે અને “કોમ્પ્રિહેન્સીવ સ્ટ્રેજીક પાર્ટનરશીપ” અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના અમલીકરણના પ્રયાસો માટે હંમેશા યાદ કરવામાં આવશે.

બોરિસ જૉન્સનને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ સંબંધો હતા અને તેથી જ તેઓ મોદીને ખાસ મિત્ર અથવા “ખાસ દોસ્ત” તરીકે સંબોધતા હતા. ભારત-યુકેના ગાઢ સંબંધો માટે પોતાની બધી તાકાત મૂકી દેનાર જૉન્સનની ઇચ્છા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને દિવાળી 2022ની સમયમર્યાદામા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને આગળ વધારવા માટે પણ યાદ કરાશે.

બંને વડા પ્રધાનોએ દ્વિપક્ષીય સંબંધોમાં “ક્વોન્ટમ લીપ” હાંસલ કરવાનું વિખ્યાતપણે વચન આપ્યું હતું. તેમણે ગયા વર્ષે મે મહિનામાં 2030 UK-ભારત રોડમેપના ભાગ રૂપે “એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ” કરી 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર ઓછામાં ઓછો બમણો  – આશરે £24 બિલિયન કરવાનો ઉદ્દેશ્ય હતો.

ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની વાટાઘાટોને એપ્રિલમાં જૉન્સનની ભારત મુલાકાત દરમિયાન આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને આ વર્ષે દિવાળી સુધીમાં મુસદ્દા કરાર માટેની સમયમર્યાદા નક્કી થઈ હતી.

જૉન્સને FTAના સંદર્ભમાં ભારત મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે “આ કરારથી દાયકાના અંત સુધીમાં અમારો વેપાર અને રોકાણ બમણું થઈ શકે છે, ગ્રાહકો માટે કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને સમગ્ર યુકેમાં વેતનમાં £3 બિલિયન જેટલો વધારો થઈ શકે છે. ભારત એશિયામાં એક અવિશ્વસનીય ઉભરતી શક્તિ છે, જે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. હાલ તેનું મુલ્ય £2.25 ટ્રિલિયન છે અને 2050 સુધીમાં તે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની તૈયારીમાં છે. ભારત ઈન્ડો-પેસિફિકમાં અમારું સૌથી મોટું ભાગીદાર પણ છે અને તે વિશ્વનું ભૌગોલિક રાજનીતિક કેન્દ્ર બની રહ્યું છે. અમારી નવી અને વિસ્તૃત સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી ભારતને તેના પોતાના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને મજબૂત કરવા તેમજ ઈન્ડો-પેસિફિકમાં મહત્વપૂર્ણ સહિયારા હિતોનું રક્ષણ કરવા સક્ષમ બનાવશે.”

ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા તથા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) વચ્ચે કોવિશિલ્ડ તરીકે કોવિડ રસીના ઉત્પાદન માટે સફળ ભાગીદારી કરાઇ હતી.