લંડનના વિશ્વ-પ્રસિદ્ધ નીસડન BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તા. 22થી 31 દરમિયાન યોજાયેલા ‘ફેસ્ટિવલ ઑફ ઇન્સ્પિરેશન’ કાર્યક્રમ અંતર્ગત વિશ્વના મહાન આધ્યાત્મિક નેતાઓમાંના એક અને આઇકોનિક નીસડન મંદિરના નિર્માતા પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે રવિવારે 17 જુલાઈ 2022 ના રોજ નોર્થ વેસ્ટ લંડનના વેમ્બલી સ્થિત અલ્પર્ટનથી BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન સુધીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

રંગીન, આનંદદાયક અને પરંપરાગત  ‘નગર યાત્રા’ દેશભરમાંથી સેંકડો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને એકસાથે લાવશે. આ શોભાયાત્રામાં આગામી ‘ફેસ્ટિવલ ઑફ ઇન્સ્પિરેશન્સ’ના વિવિધ પાસાઓનું પ્રદર્શન કરતા વિશાળ 3D સુશોભીત ફ્લોટ્સ દર્શાવવામાં આવશે. જેમાં બાળકોના સાંસ્કૃતિક એડવેન્ચરલેન્ડ, મનોરંજક શો અને ઇન્ટરેક્ટિવ ગેમ્સથી ભરપૂર ‘આઇલેન્ડ ઓફ હીરોઝ’નો સમાવેશ થાય છે.

ઉજવણીના આ મેળાવડામાં ભક્તિમય સંગીતનો સમાવેશ કરવામાં આવશે અને વાઇબ્રન્ટ કોસ્ચ્યુમમાં સજ્જ બાળકો અને યુવાનો દ્વારા પરંપરાગત ભારતીય લોક નૃત્યો રજૂ કરાશે.

આ શોભાયાત્રાનું સમાપન નીસડન મંદિર ખાતે સ્થાપવામાં આવેલી ‘પ્રમુખ સ્વામી મહારાજ મહામૂર્તિ’ની બાજુમાં યોગ્ય રીતે સમાપન થશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરના સર્જક પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા તેમની 27 ફૂટની પ્રતિમા નીસડન મંદિરના પ્રાંગણમાં રાખવામાં આવી છે.

આ કાર્યક્રમના મુખ્ય આયોજકો પૈકીના એક પૂજા બારોટે જણાવ્યું હતું કે “આ અદ્ભુત, ઉત્થાનનો પ્રસંગ 1995ની યાદોને તાજી કરશે જ્યારે નીસડન મંદિરના ઉદ્ઘાટન દરમિયાન પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની હાજરીમાં ટ્રફાલ્ગર સ્ક્વેરથી આવી જ નગરયાત્રા યોજાઈ હતી અને પિકાડિલી સર્કસમાં ફરી હતી. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે યુકેની તેમની ઘણી મુલાકાતો દરમિયાન અને સમગ્ર વિશ્વમાં તેમની યાત્રાઓ દરમિયાન જે વૈશ્વિક સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપ્યું હતું તેજ રીતે સેંકડો લોકોને ફરી એક વખત સાથે લાવતા અને સ્થાનિક સમુદાય સાથે તેને શેર કરવામાં અમને આનંદ થાય છે.”

અત્રે ઉલ્લેખનીય છે કે પરમ પવિત્ર પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નીસડન મંદિર ખાતે દસ દિવસીય બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ફેસ્ટિવલ ઑફ ઇન્સ્પિરેશન્સ’નું આયોજન કરવામાં આવ્યું છે.

સૌના માટે ફ્રી ફેસ્ટિવલ આખા પરિવારને આનંદ સાથે શીખવા માટે કંઈક આપે છે. ‘આઈલેન્ડ ઑફ હીરોઝ’ – બાળકોના એડવેન્ચરલેન્ડથી લઈને ‘ફ્લેવર્સ ઑફ ઈન્ડિયા’ ફૂડ કોર્ટ; લાઈવ મ્યુઝિક અને આઉટડોર સ્ટેજ પર ડાન્સ કાર્યક્રમોથી લઈને ત્રણ ઇન્ડોર મલ્ટીમીડિયા શો; ઇન્ટરેક્ટિવ વર્ગો, પ્રદર્શનો અને વર્કશોપ, કોમ્યુનિટી હેલ્થ હબથી માંડીને મંદિરની સામે પૂ. પ્રમુખ સ્વામી મહારાજની 27 ફૂટની પ્રતિષ્ઠિત મહા-મૂર્તિની સામે દૈનિક મહાઆરતી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

આઇલેન્ડ ઓફ હીરોઝ

‘આઇલેન્ડ ઓફ હીરોઝ’ એ બાળકોની સાંસ્કૃતિક એડવેન્ચર લેન્ડ છે જે બાળકો અને પરિવારો માટે મ્યુઝિકલ પ્રોડક્શન્સ, યુવી લાઇટ શો, એસ્કેપ રૂમ, ઓબસ્ટેક્લ કોર્સ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ સહિત ઘણી બધી પ્રવૃત્તિ રજૂ કરશે.

બાળકોને આ સાહસ માટે ચાર અલગ-અલગ પ્રદેશોમાંથી પસાર થવા સાથે ભૂતકાળ અને વર્તમાનના હીરોથી પ્રેરિત થવા માટે આમંત્રિત કરી તેમને ભવિષ્યના હીરો બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. 8થી 13 વર્ષની વયના બાળકો માટે થીમ આધારિત લર્નિંગ ઝોનનો સમાવેશ કરાયો છે જેમાં પ્રાચીન હિંદુ વિઝડમ અને તેનાથી આગળની પ્રેરણાત્મક ઘટનાઓ અને ઉપદેશોનું વર્ણન કરાશે. નાના બાળકો ‘લિટલ ફોરેસ્ટ હીરોઝ’ ઓનસાઇટ પ્લે એરિયાનો આનંદ માણી શકશે.

આઇલેન્ડ ઓફ હીરોઝ’ સંપૂર્ણ રીતે ડિઝાઇન, નિર્માણ અને દિગ્દર્શન નિસડન મંદિરના બાળકો અને યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય બાળકોને, તેમના માતા-પિતા સાથે, આપણા બહુ-સાંસ્કૃતિક સમાજના તેજસ્વી સભ્યો બનવા માટે, હિન્દુ ધર્મના વિઝડમ અને પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અપાયેલા વૈશ્વિક મૂલ્યોને અનુસરવા માટે પ્રેરણા આપવાનો છે.

આ અનુભવનો સંપૂર્ણ આનંદ માણવામાં લગભગ દોઢથી બે કલાકનો સમય લાગશે, અને 600 થી વધુ સ્વયંસેવકો, કલાકારો અને ક્રૂ સભ્યો સાથે, તે ચોક્કસપણે ‘ફેસ્ટિવલ ઑફ ઇન્સ્પિરેશન્સ’નો એક અવિસ્મરણીય ભાગ છે!