બ્રાઝિલના ભારતસ્થિત એમ્બેસેડર આંન્દ્રે અરન્હા કોરિયા ડૉ. લાગોએ ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાને મુલાકાત બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, બ્રાઝિલે પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે જે ક્રાંતિ કરી છે તેના મૂળમાં ગુજરાતનું મોટું યોગદાન રહેલું છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાને ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીએ બ્રાઝિલને ગીર નસ્લના બળદ-આખલાની ભેટ આપેલી તેની સ્મૃતિ તાજી કરી હતી. મુખ્યપ્રધાને બ્રાઝિલ અને ગુજરાત વચ્ચે મૂડીરોકાણો, વેપાર વાણિજયના સંબંધોને વધુ વ્યાપકપણે વિકસાવવામાં ગુજરાતની વિવિધ પોલિસીઝ પ્રોત્સાહક બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ગુજરાતે ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટીકસ એન્ડ લોજિસ્ટીક પાર્ક પોલિસી-ર૦ર૧, ઇલેકટ્રીકલ વ્હીકલ પોલિસી-ર૦ર૧, સોલાર એનર્જી પોલિસી તેમજ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ બન્યું છે તેમ પણ જણાવ્યું હતું. મુખ્યપ્રધાને બ્રાઝિલમાંથી મિનરલ્સ, ઓઇલ વગેરેની ભારતમાં આયાત થાય છે તેની પણ વિગતો આપી હતી. આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રર માં બ્રાઝિલ પણ જોડાય તેવું મુખ્યપ્રધાને નિમંત્રણ પાઠવ્યું હતું.