ભારતસ્થિત બ્રિટિશ હાઇકમિશનર એલેકસ એસીસ, ડેપ્યુટી હાઇકમિશનર પીટર કૂક અને ડેપ્યુટી હાઇ કમિશન-ગુજરાતનાં એડવાઇઝર અમી રાણિંગાએ શુક્રવારે ગાંધીનગર મુખ્ય પ્રધાનની ભૂપેન્દ્રભાઇ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. બ્રિટિશ હાઇકમિશનરે ગુજરાતી સમૂદાયોએ ડાયસપોરાએ બ્રિટિશ-યુ.કે ના વેપાર-વણજ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ અને યોગદાનની સરાહના કરતાં ગુજરાત-યુ.કે વચ્ચેના સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બનાવવાની હિમાયત કરી હતી. મુખ્યપ્રધાને હાઇકમિશનર સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત સરકારે યુ.કે સાથે સિકયુરિટી, ડિફેન્સ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં ૧૦ વર્ષીય સહભાગીતાના રોડમેપ કંડારતા જે એમ.ઓ.યુ કર્યા છે તેમાં ગુજરાત કઇ રીતે યોગદાન આપી શકે તે અંગે તેઓ પણ વિસ્તૃત અભ્યાસ, વિચારણા કરશે. ગુજરાત સોલાર એનર્જી સેકટરમાં અગ્રણી રાજ્ય છે તેની ભૂમિકા આપતાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, બ્રિટીશ કંપનીઓ કલીન એનર્જી, ગ્રીન મોબિલીટી, ગ્રીન મેન્યૂફેકચરીંગને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ટેકનોલોજી સોલ્યુશન્સ અને કલાયમેટ ફાઇનાન્સીંગમાં ભાગીદારી કરી શકે. પટેલે એમ પણ જણાવ્યું કે ઉચ્ચ અભ્યાસ માટે યુ.કે હંમેશા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પસંદગીનું સ્થળ રહ્યું છે. એટલું જ નહિ, ગુજરાત-યુકેની યુનિવર્સિટીઓ, શિક્ષણ સંસ્થાઓ, ટેકનોલોજી, ટુરિઝમ, મેનેજમેન્ટ, આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના ક્ષેત્રોમાં અભ્યાસક્રમોની પરસ્પર સહભાગીતા પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. મુખ્યપ્રધાને આગામી વાયબ્રન્ટ સમિટ-ર૦રરમાં યુકેના ઉચ્ચસ્તરીય ડેલિગેશનને જોડાવાનું નિમંત્રણ પાઠવ્યું હતું. બ્રિટીશ હાઇકમિશનરે પણ મુખ્યપ્રધાનને યુકેની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.