બ્રિટનમાં કોર્પોરેટ બાબતોના ગવર્નન્સ રેગ્યુલેટરે એવી ચેતવણી ઉચ્ચારી છે કે, દેશની કંપનીઓ દ્વારા નવી પેઢીની વધુ સુશિક્ષિત, વધુ સંપર્કો ધરાવતી મહિલાઓને બોર્ડ ઓફ ડાયરેકટર્સમાં સ્થાન આપવા માટે સામાન્ય, નોકરિયાત વર્ગના પુરૂષોનો ભોગ લેવાતો હોય તેવી શક્યતા છે. ધી ફાયનાન્સિયલ રીપોર્ટીંગ કાઉન્સિલે એવું જણાવ્યું છે કે, મહિલાઓને બોર્ડરૂમમાં વધુ સારા પ્રતિનિધિત્વનો ટ્રેન્ડ ઈચ્છનિય છે પણ, તેના પ્રત્યાઘાતો કદાચ ઈરાદો ના હોય તેવા પણ રહે છે. આમાં ધનાઢ્ય કે ઉચ્ચ મધ્યમ વર્ગના નહીં એવા, નીચલા સ્તરના સામાજિક-આર્થિક પશ્ચાદભૂમિકા ધરાવતા (નોકરિયાત વર્ગના) પુરૂષ ઉમેદવારોનો ભોગ લેવાતો હોવાની શક્યતા રહે છે.

કાઉન્સિલના જણાવ્યા મુજબ કંપનીઓના બોર્ડ ઓફ ડાયરેકટર્સની રચનાના તાજા આંકડામાં જાતિ (સ્ત્રીઓ અને પુરૂષો) તથા સામાજિક-આર્થિક દરજ્જા (સોશિઓ-ઈકોનોમિક સ્ટેટસ – SES) ની દ્રષ્ટિએ જોવાય તો એવું વલણ જણાય છે કે, નીચલા એસઈએસના પુરૂષોના ભોગે ઉચ્ચ એસઈએસ વર્ગની મહિલાઓનો સમાવેશ કરાઈ રહ્યો છે.

FTSE 100 અને FTSE 250 કંપનીઓના બોર્ડરૂમ્સમાં ડાયવર્સિટી વિષે એક લેન્ડમાર્ક રીપોર્ટમાં કાઉન્સિલે એવી ટીપ્પણી કરી હતી કે, “બીજા શબ્દોમાં કહીએ તો આપણે એવો પ્રશ્ન કરવાનો રહે કે, અલ્પ પ્રતિનિધિત્ત્વ ધરાવતા એક ગ્રુપને સ્થાન આપવા માટે આપણે ક્યાંક બીજા એવા જ અલ્પ પ્રતિનિધિત્ત્વ ધરાવતા ગ્રુપનો ભોગ લઈ રહ્યા છીએ કે શું?”

લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા તૈયાર કરાયેલા આ રીપોર્ટમાં એ સ્થિતિ દર્શાવવામાં આવી હતી કે, કંપનીઓના ચેરમેન અને હેડહંટર્સ જાતિ, વંશ, ઉમર, રાષ્ટ્રીયતા અને વર્ગની દ્રષ્ટિએ વધુ વૈવિધ્યસભર બોર્ડ્સની રચના કરવામાં કેવા દબાણોનો સામનો કરી રહ્યા છે. આ રીપોર્ટમાં એવું પણ તથ્ય બહાર આવ્યું હતું કે, બોર્ડમાં વધુ મહિલાઓનો સમાવેશ કરાય તો એના થકી નફા અને સ્ટોક માર્કેટમાં વધુ ઉંચા વળતરના સંદર્ભમાં ભવિષ્યની નાણાંકિય કામગીરી વધુ બહેતર બની શકે છે. બોર્ડમાં વંશિય વૈવિધ્ય વધારે હોય તો તેના થકી વધુ નાણાંકિય લાભો મળતા હોવાના નક્કર પુરાવા તો ઘણા ઓછા છે પણ, એવા વૈવિધ્ય થકી શેરહોલ્ડર્સ સાથે વધુ એખલાસભર્યા સંબંધો રહી શકે છે અને રોકાણકારોમાં અસંતોષની લાગણી પણ ઓછી રહે છે.

રીપોર્ટમાં વધુમાં જણાવાયું હતું કે, 28 ડાયરેકટર્સ નીચલા સ્તરના SESની પશ્ચાદભૂમિકામાંથી આવતા હતા, તો સામાન્ય વર્ગના લોકોનું પ્રમાણ 48 ટકા હતું.