(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

ગુજરાતમાં હડપ્પન સંસ્કૃતિના શહેર ધોળાવીરાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે, એમ યુનેસ્કોએ મંગળવારે જણાવ્યું હતું. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે, જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ત્રણ હેરિજેટ સાઈટ્સ હતી, જેમાં પાવાગઢ નજીકના ચાંપાનેર, પાટણની રાણકી વાવ અને અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. રાજ્યની ચોથી વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે હવે ધોળાવીરાનો સમાવેશ થયો છે.

ધોળાવીરા ઈ.પૂર્વે 3000થી 1800ની વચ્ચે નિર્માણ પામ્યું હોવાની શક્યતા છે. ભારતમાં અત્યાર સુધી કોઈ હડપ્પન સાઈટને વર્લ્ડ હેરિટેજ સાઈટનું બિરુદ નથી મળ્યું. ધોળાવીરાને શોધનારા પુરાતત્વ ખાતાના પૂર્વ ડિરેક્ટર ડૉ. વાય.એસ. રાવતે જણાવ્યું હતું કે ધોળાવીરા બીજી બધી હડપ્પન સાઈટ્સ કરતાં અલગ છે, જો તેને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળે તો તેનાથી તેની કાયાપલટ થશે.

ધોળાવીરાનું ઉત્ખનન કરનારી ટીમની આગેવાની કરનારા પુરાતત્વશાસ્ત્રી ડૉ. આર.એસ. બિષ્ટના જણાવ્યા અનુસાર, સતત 1200 વર્ષ સુધી ધોળાવીરામાં માનવ વસવાટ હતો. તેમાં ભૂતકાળની અનેક બાબતો સંગ્રહાયેલી પડી છે. બાંધકામ ટેક્નોલોજીથી માંડીને જળ સ્થાપન અને વજન તેમજ વેપાર જેવી દરેક બાબતો તે સમયને સમજવા જરુરી છે, જે ધોળાવીરામાં સચવાયેલી છે.

આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ 50 હજાર લોકો આ મહાનગરમાં રહેતા હોવાનું મનાય છે. આ નગરમાં પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે.

આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે. 1967-68ના અરસામાં ભારતીય પુરાતત્વવિદ્ જગત પતિ જોષીએ આ સ્થળની મુલાકાત લઈ પ્રથમ વખત તેની માહિતી જાહેર કરી હતી. મોહે-જો-દડો અને હડ્ડપામાં કાચી પાકી ઈંટો દ્વારા બાંધકામ કરવામાં આવેલું છે. જ્યારે આ ધોળાવીરામાં લગભગ ચોરસ અને લંબચોરસ પથ્થરોથી બાંધકામ થયું છે અને પથ્થરો થોડેક છેટે બાજુમાં ખાણોમાંથી કાઢેલા છે. ધોળાવીરામાં નગરની ચારેબાજુ દીવાલ આવેલી છે.