ceremonies of various societies were held in Gandhinagar

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ જ્ઞાતિના સ્નેહમિલન સમારોહના આયોજન થઇ રહ્યા છે.
ગાંધીનગર ખાતે તાજેતરમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં બારોટ- બ્રહ્મભટ્ટ સમાજ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં બ્રહ્મભટ્ટ સમાજના અગ્રણીઓએ મુખ્ય પ્રધાનનું અભિવાદન કર્યું હતું અને ગુજરાતના વણથંભ્યા વિકાસને આગળ વધારવા બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સૌ સમાજને સાથે રાખી ચાલવાની સરકારની કાર્યરીતિથી અંત્યોદયથી સર્વોદયનો વિચાર સાકાર થઈ રહ્યો છે. રાજ્ય અને દેશના વિકાસ માટે બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ સહિત સૌ સમાજ એકજૂટ બની એક ભારત-શ્રેષ્ઠ ભારત સાકાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. આ સિવાય મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને ભોઇ સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે ભોઇ સમાજના ૭૫ વર્ષથી મોટી ઉંમરના વરિષ્ઠોનું મુખ્ય પ્રધાનના હસ્તે સન્માન કરાયુ હતું. આ ઉપરાંત ઓડ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ઓડ સમાજના પૂજ્ય ગુરુ શ્રી પીસાવાડા મહારાજ, ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રાણા સમાજ, વિશ્વકર્મા સમાજ અને વણઝારા સમાજના પણ સ્નેહમિલન યોજાયું હતું.