(ANI Photo)

આઈપીએલ 2024માં ત્રણ અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો છે અને મોટાભાગની ટીમો છ-છ મેચ રમી ચૂકી છે, ત્યારે હાર્દિક પંડ્યાનો સમાવેશ અને તેને સુકાનીપદ સોંપીને ચર્ચાસ્પદ બનેલી મુંબઈ ઈન્ડિયન્સને હજી તો તેનો કોઈ લાભ મળતો દેખાતો નથી, ટીમ છ મેચમાંથી ફક્ત બે વિજય સાથે પોઈન્ટ્સ ટેબલમાં સાતમા ક્રમે છે. રાજસ્થાન રોયલ્સ છ મેચમાંથી પાંચમાં વિજય સાથે પ્રથમ અને કોલકાતા નાઈટ રાઈડર્સ પાંચ મેચમાંથી ચારમાં વિજય સાથે બીજા ક્રમે છે. ગુજરાત ટાઈટન્સ પણ છેક છઠ્ઠા ક્રમે છે.

રવિવારે (14 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવી ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાનું બહેતર સ્થાન જાળવી રાખ્યું હતું, આ પરાજયમાં પણ મુંબઈના સુકાની હાર્દિક પંડ્યાની કંગાળ બોલિંગ એક મહત્ત્વનું કારણ જણાતી હતી, તો રોહિત શર્માની સદી પણ એળે ગઈ હતી. મુંબઈના સુકાની હાર્દિકે ટોસ જીતી ચેન્નાઈને પહેલા બેટિંગમાં ઉતારવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈએ સુકાની ઋતુરાજ ગાયકવાડના 40 બોલમાં 69 અને શિવમ્ દુબેના 38 બોલમાં અણનમ 66 રન સાથે ચાર વિકેટે 206 રન ખડકી દીધા હતા. ભૂતપૂર્વ સુકાની ધોનીએ છેલ્લી ઓવરમાં ફક્ત ચાર બોલમાં અણનમ 20 રન કરી હાર્દિક પંડ્યાની બોલિંગ સાવ ફાલતુ હોવાનું સાબિત કર્યું હતું. હાર્દિકે સૌથી વધુ, બે વિકેટ તો લીધી હતી, પણ ત્રણ ઓવરમાં 43 રન આપ્યા હતા. બુમરાહને એકપણ વિકેટ નહોતી મળી પણ ચાર ઓવરમાં તેણે ફક્ત 27 રન આપ્યા હતા.

જવાબમાં મુંબઈની ટીમ છ વિકેટે ફક્ત 186 રન સુધી પહોંચી શકી હતી. રોહિત શર્માએ 63 બોલમાં અણનમ 105 રન કર્યા હતા, તો તિલક વર્માએ 31 અને ઈશાન કિશને 23 રન કર્યા હતા. યુવાન શ્રીલંકન બોલર મથિશા પથિરાણાએ ચાર ઓવરમાં 28 રન આપી ચાર વિકેટ ખેરવી હતી અને તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેણે મુંબઈની ટોપની ત્રણ વિકેટ ખેરવી હતી, જેમાં સૂર્યકુમાર યાદવને ઝીરોમાં ઘરભેગો કર્યા હતો અને એ રીતે મુંબઈના ગઢમાં ગાબડા પાડી તરખાટ મચાવ્યો હતો. હાર્દિક પંડ્યા પણ ફક્ત છ બોલ રમી પેવેલિયનમાં પાછો ફર્યો હતો અને તેણે માત્ર બે રન કર્યા હતા.

LEAVE A REPLY

6 + 10 =