
અમેરિકાએ ચીનના ઉત્તરપૂર્વ વિસ્તારના કેટલાંક પ્લાન્ટની કેટલીક પ્રોડક્ટ્સ પર સોમવારે પ્રતિબંધ મૂક્યો હતો. આ વિસ્તારમાં ઉઇગુર મુસ્લિમોને બળજબરીપૂર્વક મજૂરી કરવામાં આવતી હોવાની આશંકાને આધારે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આવી પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકતા કાયદાને અમેરિકાની સેનેટમાં મંજૂરી આપવામાં આવી હતી. ઉઇગુર ફોર્સ્ડ લેબર પ્રીવેન્શન એક્ટ કાયદાને મંગળવારે ૪૦૬-૩ મતથી મંજૂરી આપવામાં આવી હતી. ઉઇગુર શ્રમિકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓની આયાત પર માનવાધિકારના સિદ્ધાંતોના આધારે પ્રતિબંધ મૂકતો કાયદો વિશ્ર્વભરમાં પ્રથમ વખત કોઇ દેશે બનાવ્યો છે.
રિપબ્લિકન ઓફ ધ હાઉસ ફોરેન અફેર્સ કમિટીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસમેન માઇકલ મેકકોલે પોતાના ભાષણમાં આક્ષેપ કર્યો હતો કે ચાઇનિસ કોમ્યુનિસ્ટ પાર્ટી ઉઇગુર અને અન્ય લઘુમતી શ્રમિકોનો ઉપયોગ તેમની સમાન વર્ગના લોકોની હત્યા કરવા માટે કરે છે.
હાલમાં સીન્જિઆંગમાં થયેલું કૃત્ય ખરેખર ક્રૂર હતું જેમાં દસથી ત્રીસ લાખ લોકોને લેબર કેમ્પમાં જબરદસ્તી ધકેલવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોટા પાયે બ્રેઇનવોશ કરવામાં આવે છે. પરિવારોને અલગ કરીને અને બાળકોને તેમના માતાપિતા સાથે જુદા કરવામાં આવે છે. આ સિવાય સૌથી વધુ ક્રૂર એવું જબરદસ્તીથી તેમનું વ્યંધિકરણ અને ગર્ભપાત કરવામાં આવે છે’, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ વિશ્ર્વ માટે, ચીનના પાડોશી દેશો માટે અને અમેરિકના લોકો માટે ચેતવણી સમાન છે કે ચાઇનિસ કોમ્યુનિસ્ટ પાર્ટી ફક્ત પોતાની સત્તા, દેશો પર નિયંત્રણ અને પોતાની રીતે ચાલતી સરકાર ઇચ્છે છે, એમ તેમણે વધુમાં કહ્યું હતું.













