સાઉથ લંડનના સટન બરોના કાઉન્સિલર અને ભૂતપૂર્વ મેયર નલિની પટેલે સટનના મેયરે આપેલી ‘1001 મેયર્સ સમર ચેલેન્જ’ના ભાગરૂપે 1001 મિનિટ માટે કાર્સલટન ગ્રોવ પાર્કમાં પોતાનું મોબીલીટી સ્કૂટર ચલાવીને £3000થી વધુ રકમનું દાન એકત્ર કર્યું હતું. સટનના મેયર કાઉન્સિલર ટ્રીશ ફિવીએ સમર્થકોની હાજરીમાં તેમને આ પ્રસંગે ટ્રોફી અર્પણ કરી હતી.

કાઉન્સિલર પટેલે મેયરની બે પસંદ કરેલી ચેરીટી સંસ્થાઓ, સટન મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અને હોમ સ્ટાર્ટ માટે કુલ £3,000 એકત્ર કર્યું હતું. આ ચેલેન્જ શુક્રવારે તા. 28ના રોજ કાર્સલટનના હનીવુડ મ્યુઝિયમ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

‘ગરવી ગુજરાત’ સાથે વાત કરતા કાઉન્સિલર નલિ પટેલે કહ્યું હતું કે “હું મેયરની સખાવતી સંસ્થાઓ માટે નાણાં એકત્ર કરવા મદદ કરવા માંગતી હતી. મારી અસક્ષમતાને કારણે, મારા જીવનમાં મેં આ પહેલી ફીજીકલ ચેલેન્જ ઉપાડી હતી. હું મદદ કરનાર સૌની આભારી છું.”

સટનના મેયર, કાઉન્સિલર ટ્રિશ ફિવીએ જણાવ્યું હતું કે “સટન મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન અને હોમ સ્ટાર્ટ માટે નાણાં કાઉન્સિલર પટેલની આ સખાવતથી લોકોના જીવન પર ભારે અસર પડશે.’’

મિલન ગ્રુપ વૉલિંગ્ટન અને તેના અગ્રણી શ્રી કનુભાઇ પટેલ MBEએ £500 – £500 લેખે મે 2020માં કોરોનાવાયરસ પીપીઈ કીટ માટે એપ્સમ અને સેન્ટ હેલિયર હોસ્પિટલ ટ્રસ્ટને £1,000નુ કુલ દાન અર્પણ કર્યું હતું.