આ શિયાળામાં એનએચએસને કોરોનાવાયરસ અને ફલૂની બીમારીનો ડબલ ઝટકો લાગે તેવી શક્યતાઓ હોવા છતાં મળેલા અહેવાલો અનુસાર ફ્લૂનું રસીકરણ ક્રિસમસ સુધી વિલંબિત થઈ શકે છે. સરકાર આ શિયાળા પહેલા ઇતિહાસનુ સૌથી મોટુ ફ્લૂ રસીકરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે અને દેશની અડધી વસ્તી સુધી આ કાર્યક્રમનું વિસ્તરણ કરવાનું વચન આપ્યું છે. પેન્શનરો, નાના બાળકો અને આરોગ્યની નબળી સ્થિતિ ધરાવતા લોકો અને પચાસના દાયકાના લોકોને રસીની ઓફર કરવામાં આવશે.

આ પાનખરમાં કોરોનાવાયરસના બીજા તરંગની વ્યાપક અપેક્ષા રાખવામાં આવી છે. સરકાર નવેમ્બર અને ડિસેમ્બરમાં ફ્લુની રસીના કાર્યક્રમનો વિસ્તાર કરવાનો ઇરાદો ધરાવે છે અને 50થી 64 વર્ષની વયના લોકોનો સમાવેશ કરનાર છે. દરમિયાન, કોરોનાવાયરસ માટે રસી ઉત્પન્ન કરવાની રેસ તરફ દોડી રહેલા વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે સમાજને પ્રાણીઓથી ફેલાતા રોગના વધતા ફેલાવાનો પણ સામનો કરવો પડશે.

ઑક્સફર્ડ યુનિવર્સિટીના સારાહ ગિલ્બર્ટે  એવી દલીલ કરી છે કે માનવ પ્રવૃત્તિ પ્રાણીઓને માનવ સંક્રમણ માટે વધતા જતા ખતરા તરફ દોરી રહી છે, જેને ઝૂનોટિક રોગો તરીકે ઓળખવામાં આવે છે. કોરોનાવાયરસ, ઇબોલા, સાર્સ અને વેસ્ટ નાઇલ વાયરસ જેવા અન્ય જીવલેણ રોગો પણ પ્રાણીઓમાં ઉત્પન્ન થયા છે.

પ્રોફેસર ગિલબર્ટના નેતૃત્વ હેઠળ ઓક્સફર્ડ પ્રોજેક્ટ તેની કોરોનાવાયરસ રસીના અજમાયશના ત્રીજા તબક્કાના પરિણામોની રાહ જોઈ રહ્યો છે. જો ઉચ્ચ સ્તરની અસરકારકતા સાબિત થશે તો આ વર્ષના અંતમાં એક રસી મળી શકે છે.