Vasundhara Raje, two BJP MLAs saved my government in 2020: Gehlot
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત (ANI Photo)

ગુજરાતમાં આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી વચનની જાહેરાત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે બુધવારે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના ચાલુ કરાશે અને જનતાને રૂ.10 લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે. તેમણે 15 સપ્ટેમ્બર પહેલાં જ કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવાની પણ જાહેરાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં અમીર-ગરીબ તમામ લોકોને 10 લાખ રુપિયાનો આરોગ્ય વીમો આપવામાં આવે છે. જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો અહીં પણ જનતાને સરકારની આ યોજનાનો લાભ મળશે. રાજસ્થાનમાં 5 લાખનો અકસ્માત વીમો અપાય છે. આ ઉપરાંત, MRI, સીટી-સ્કેન, એક્સ-રે, બ્લડ ટેસ્ટ, કોવિડ ટેસ્ટ સહિતના તમામ પરીક્ષણો ઉપરાંત ઓર્ગન (કિડની, લીવર, હાર્ટ વગેરે) – બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, ટ્રાન્સપ્લાન્ટ અને ઈમ્પ્લાન્ટ સહિત ઓક્યુલર ઈમ્પ્લાન્ટ વિના મૂલ્યે થાય છે.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો 1 જાન્યુઆરી 2004 પછી નિમાયેલા સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ લાગુ કરાશે. આ ઉપરાંત, રાજસ્થાનની માફક ગુજરાતમાં અલગથી કૃષિ બજેટ રજૂ કરવામાં આવશે. ખેડૂતોને ગુજરાતમાં ઘણી જગ્યાએ રાત્રે જ વીજળી અપાય છે, પરંતુ રાજસ્થાનમાં 16 જિલ્લામાં હવે દિવસમાં કૃષિ વીજળી અપાય છે અને બાકીના જિલ્લાને પણ બે વર્ષમાં તેનો લાભ મળશે. આ જ રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવા કટિબદ્ધ છે. આ સિવાય રાજસ્થાન મોડેલને આધારે દૂધ આપનાર ડેરી ખેડૂતોને પ્રતિ લીટર રૂ.5ની સબસીડી પણ મળશે.

ગેહલોતે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં 1400 નવી સરકારી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો ખૂલી છે, જેને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ જો સરકાર બનાવશે તો ગરીબના બાળકોને પણ ઈંગ્લિશ મીડિયમમાં ભણવાનો મોકો મળશે. આ સિવાય સરકારી ભરતીઓમાં પારદર્શકતા લવાશે, પેપર લીક જેવી ઘટનાના કસૂરવારોને છોડવામાં નહીં આવે. આ ઉપરાંત, શ્રમીકોને 8 રુપિયામાં ગુણવત્તાયુક્ત ભોજન પણ આપવામાં આવશે.