કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા (ANI Photo)

કર્ણાટકની કોંગ્રેસ સરકારે વિધાનસભામાં કર્ણાટક હિન્દુ રિલિજિયસ ઇન્સ્ટિટ્યૂશન્સ એન્ડ ચેરિટેબલ એન્ડોવમેન્ટ બિલ્સ, 2024 પસાર કરીને મંદિરની આવક પર ટેક્સ લાદવાની હિલચાલ કરતાં રાજકીય વિવાદ ઊભો થયો હતો. રાજ્યમાં મુખ્ય વિરોધ પક્ષ ભાજપે કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારને હિન્દુ વિરોધી ગણાવી હતી.

બિલની જોગવાઈ અનુસાર, સરકાર રૂપિયા એક કરોડથી વધુ દાનની રકમ મેળવતા મંદિરો પર 10 ટકા ટેક્સ લગાવશે. જ્યારે, 10 લાખથી એક કરોડ સુધીની આવક ધરાવતા મંદિરો પર પાંચ ટકા ટેક્સ વસૂલશે.

રાજ્ય સરકારના પ્રધાન રામલિંગા રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું કે, ફંડનો હેતુ મંદિરોમાં સુવિધાઓ, વીમાનું કવર, મંદિરોના પુજારીઓ માટે મૃત્ય રાહત ભંડોળ અને લગભગ 40000 પુજારીઓના પરિવારોના બાળકો માટે શિષ્યવૃત્તિ સહિતનાં લાભો આપવાનો છે.

કર્ણાટકમાં મંદિરોને તેમની વાર્ષિક આવકના આધાર પર જુદી-જુદી શ્રેણીમાં વિભાજીત કર્યા છે. જેમાં ગ્રુપ એમાં 205 મંદિરો આવે છે, જેમની વાર્ષિક આવક 25 લાખથી વધુ છે. જ્યારે ગ્રુપ બી માં 193 મંદિરો સામેલ છે, જેમની વાર્ષિક પાંચ લાખથી 25 લાખ રુપિયાની વચ્ચેની છે. બાકીના 3000 મંદિરોની વાર્ષિક આવક પાંચ લાખથી પણ ઓછી છે, જેમને સી ગ્રુપમાં રાખવામાં આવ્યા છે.

આ પગલાંનો બચાવ કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, 2011માં ખુદ ભાજપે જ વધુ આવક ધરાવતા મંદિરો પાસેથી ભંડોળ એકત્ર કરવા કાયદામાં સુધારો કર્યો હતો. ટ્રાન્સપોર્ટ પ્રધાન રામલિંગા રેડ્ડીએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ જોગવાઈ નવી નથી, પણ 2003થી ચાલતી આવે છે. સરકારે જણાવ્યું હતું કે, કોમન પુલ ફન્ડમાં રકમ વધારવી જરૂરી હતી.

LEAVE A REPLY

10 − one =