Getty Images)

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે તેવી જ રીતે હવે કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. બે મહિનાના સખત લોકડાઉન બાદ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદ કોરોનાનો કહેર દિવસેને દિવસે ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 697413 સુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 24248 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ ભારત દેશ દુનિયાભરમાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં રશિયાને પાછળ છોડીને ત્રીજા ક્રમાંક પર પહોંચી ગયો છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ 60.80 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 15350 લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને 424433 સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં 425 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને 19693 સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના 253287 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 206619 કેસ નોંધાયા છે જ્યારે 8822 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ 111151 કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી 1510 લોકો કાળનો કોળિયો બની ગયા છે. ત્યારબાદ દિલ્હીમાં 99444 કેસ નોંધાયા છે જ્યારે 3067 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં 36037 લોકો સંક્રમણમાં આવ્યા છે 1943 લોકોના મોત થયા છે.