અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. અમેરિકાની એક કોર્ટે હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના ટ્રમ્પ વહીવટીતંત્રના આદેશ સામે મનાઇહુકમ આપ્યો છે. અગાઉ, હાર્વર્ડ દ્વારા આ બાબતનો વિરોધ કરતા બે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. ટ્રમ્પ સરકાર સ્ટે વિરુદ્ધ અપીલ પણ કરી શકે છે.
23 મે, 2025 બોસ્ટનની એક કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદમાં, હાર્વર્ડે જણાવ્યું હતું કે વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો એ યુએસ બંધારણ અને અન્ય સંઘીય કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, અને તેની યુનિવર્સિટી અને 7000 થી વધુ વિઝા ધારકો પર તાત્કાલિક અને ખૂબ જ ખરાબ અસર પડશે. હાર્વર્ડે જણાવ્યું. કે, ‘એક કલમના ઘાથી, સરકારે હાર્વર્ડના વિદ્યાર્થીઓની સંખ્યાના એક ચતુર્થાંશ ભાગ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કે જેઓ યુનિવર્સિટી અને તેના મિશનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે, તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.’
વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીઓમાંની એક, હાર્વર્ડે કહ્યું, ‘વિદેશી વિદ્યાર્થીઓ વિના હાર્વર્ડ હાર્વર્ડ નથી.’ ડેમોક્રેટિક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા નિયુક્ત યુએસ ડિસ્ટ્રિક્ટ જજ એલિસન બરોઝે આ નીતિ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો હતો. હાર્વર્ડે ટ્રમ્પ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે.
હાર્વર્ડની સ્કૂલમાં 100 થી વધુ દેશોના 6800 થી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. આમાં 1203 ચીની વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. હાર્વર્ડ ઇન્ટરનેશનલ ઓફિસની વેબસાઇટ અનુસાર, યુનિવર્સિટી હેઠળની તમામ શાળાઓમાં 2024-2025માં ભારતના 788 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જ્યારે હાર્વર્ડ ગ્લોબલ સપોર્ટ સર્વિસીસ તેની વેબસાઇટ પર જણાવે છે કે દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને સંશોધકો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે.
જે વિદ્યાર્થીઓ વર્તમાન સેમેસ્ટરમાં ડિગ્રી પૂર્ણ કરશે તેમને ગ્રેજ્યુએટ થવાની મંજૂરી આપવામાં આવશે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ ફેરફારો 2025-2026 શૈક્ષણિક વર્ષમાં અમલમાં આવશે.
જો કે, જે વિદ્યાર્થીઓની ડિગ્રી હજુ પૂર્ણ થઈ નથી તેમને અન્ય યુનિવર્સિટીઓમાં ટ્રાન્સફર કરવું પડશે. જો તેઓ આમ નહીં કરે, તો તેઓ યુએસમાં રહેવાનો તેમનો કાનૂની દરજ્જો ગુમાવશે.
