અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં અને સત્તા સંભાળ્યાના થોડા અઠવાડિયા સુધી ભારત-અમેરિકા વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું કહ્યું હતું. જોકે ટેરિફ વિવાદ ઊભો થયા પછી ટ્રમ્પનું વલણ સતત બદલાતું રહ્યું છે. એપલે ભારતમાં આઈફોન-લેપટોપ સહિતની વસ્તુઓનું ઉત્પાદન વધારવાની અને આ વસ્તુઓને અમેરિકાના બજારમાં વેચવાની યોજના જાહેર કર્યા પછી ટ્રમ્પના સૂર બદલાયા છે. તેમણે ફરી એક વાર એપલના સીઈઓને સીધી ચીમકી આપી છે કે, ભારતમાં આઇફોન બનેશે તો તેના પર 25 ટકા ટેરિફ લાદવામાં આવશે.

સ્થાનિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિનો આક્રમક અમલ શરૂ કર્યો હતો. ગત સપ્તાહે ટ્રમ્પે દોહા ખાતે જાહેર કર્યું હતું કે, એપલના ઉત્પાદનો ભારતમાં નિર્માણ થાય તેવી તેમની ઈચ્છા નથી. તેમણે કહ્યુ હતું કે, ઘણા સમય પહેલા એપલ અને ટીમ કૂકને મેં કહી દીધું છે કે, અમેરિકામાં વેચાતા તેમના આઈ ફોનનું ઉત્પાદન અને નિર્માણ પણ અમેરિકામાં જ થવું જોઈએ, ભારત કે અન્ય કોઈ દેશમાં નહીં. અમેરિકા સિવાય અન્ય દેશમાં આઈ ફોન બનશે તો એપલે 25 ટકા ટેરિફ ચૂકવવી પડશે.

થોડા દિવસ અગાઉ એપલા સીઈઓ ટીમ કૂકે અર્નિંગ્સ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, એપલની વસ્તુઓનું કયા દેશમાં ઉત્પાદન થયું તેના આધારે ટેરિફના દર નક્કી થતા હોય છે. જૂન મહિનાના ત્રિમાસિકમાં અમેરિકામાં વેચાતા મોટા ભાગના આઈ ફોનનું ઉત્પાદન ભારતમાં થયેલું હશે, જ્યારે અમેરિકામાં વેચાતા મોટાભાગના આઈપેડ, મેક, એપલ વોચ અને એરપોડ્સ વિયેટનામમાં બનેલા હશે. કૂકે વધુમાં કહ્યું હતું કે, અમેરિકા બહાર વેચાતા મોટા ભાગના ઉત્પાદનોનું નિર્માણ ચીનમાં જ થશે.

LEAVE A REPLY