કોવિડ-19ના કારણે એશિયન બ્લેક અને લઘુમતી વંશીય (BAME) બેકગ્રાઉન્ડના લોકોનું મૃત્યુ થવાની સંભાવના અંગે આરોગ્ય વડાઓએ ગત એપ્રિલ માસમાં શરૂ કરેલી તપાસમાં આજે (મંગળવાર, 2 જુન) બહાર આવ્યું છે કે કોરોનાવાઈરસથી શ્વેત લોકોના મૃત્યુની સંભાવના ઘણી ઓછી રહે છે, તેની સામે એશિયન, બ્લેક અને લઘુમતી વંશીય (BAME) લોકો વધુ પ્રમાણમાં મૃત્યુ પામે છે. હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે સ્વીકાર્યું હતું કે આ અહેવાલમાં સમગ્ર યુકેમાં અસમાનતાનો પર્દાફાશ થયો છે અને અશ્વેત લોકો વધુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેનો ભોગ બની રહ્યા છે અને તેમની સામાજિક સ્થિતિને કારણે હવે તેઓ કોરોનાવાઈરસથી મૃત્યુ પામી રહ્યા છે.’’

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) ના અહેવાલમાં જણાયું છે કે બ્રિટનમાં રહેતા મૂળ બંગલાદેશી સમુદાયના લોકોનું કોરોનાવાયરસથી મૃત્યુનું જોખમ શ્વેત લોકોની સરખામણીએ લગભગ બમણું હતું. તો ચીની, ભારતીય, પાકિસ્તાની, અન્ય એશિયન અથવા કેરેબિયન બેકગ્રાઉન્ડના તેમજ બ્લેક લોકોનું મૃત્યુનું જોખમ 10 થી 50 ટકા વધારે હતું. બ્લેક લોકોમાં કોવિડ-19નું નિદાન થવાની સંભાવના વધારે હોવાનું બહાર આવ્યું છે. મળેલા પુરાવાઓમાં જણાયું હતું કે શ્વેત લોકો આ રોગથી ઓછા પ્રમાણમાં મૃત્યુ પામે છે અથવા ગંભીર રીતે બીમાર થાય છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોક પર દબાણ કરાયું હતું કે આ રીપોર્ટ મે માસના અંતમાં પ્રસિધ્ધ થવો જોઈતો હતો પરંતુ અમેરિકામાં જ્યોર્જ ફ્લોઇડની મૃત્યુની ઘટનાના પગલે રાજકીય તણાવના કારણે તે પ્રસિધ્ધ કરવામાં વિલંબ કરાયો હતો.
પીએચઇના રીપોર્ટમાં જણાવાયું હતું કે કોરોનાવાઈરસનો ચેપ લાગે તો અશ્વેત લોકોના મોતનું જોખમ વધારે છે, જોકે ડોકટરો હજી પણ ચોક્કસ નથી કે કયુ જોખમ વધારે છે. SAGEના સરકારી સલાહકારોને રજૂ કરાયેલા પેપરમાં સૂચવવામાં આવ્યું હતું કે બ્લેક અને દક્ષિણ એશિયાના લોકોમાં ટાઇપ-2 ડાયાબિટીસના સરેરાશ કરતા ઉંચો દર દોષિત હોઈ શકે છે જે સ્થિતિ કોવિડ-19 ના મોતનું જોખમ વધારતી હોવાનું મનાય છે.

પીએચઇની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે, 100,000ની વસ્તીમાં સૌથી મોટો નિદાન દર બ્લેક લોકો (486 સ્ત્રીઓ અને 649 પુરુષો)નો હતો. જ્યારે સૌથી ઓછો દર શ્વેત લોકોમાં (સ્ત્રીઓમાં 220 અને પુરુષોમાં 224) હતો. વિવિધ કારણોથી થયેલા મૃત્યુના દરમાં શ્યામ પુરૂષોનો મૃત્યુ દર અપેક્ષા કરતા લગભગ ચાર ગણો વધારે હતો. એશિયન પુરુષોમાં આ દર લગભગ ત્રણ ગણો વધારે અને શ્વેત પુરુષોમાં તે લગભગ બે ગણો વધારે હતો. શ્યામ, મિશ્ર અને અન્ય સ્ત્રીઓમાં આ સમયગાળામાં મૃત્યુ દર લગભગ ત્રણ ગણો વધારે અને એશિયન મહિલાઓમાં આ મૃત્યુ દર 2.4 ગણો વધારે તેમ જ શ્વેત સ્ત્રીઓમાં 1.6 ગણો હતો.

પ્રત્યેક 100,000ની વસ્તીમાં પોઝીટીવ કેસમાં સૌથી વધુ મૃત્યુ દર ‘અન્ય’ વંશીય જૂથોમાં (234 સ્ત્રીઓ અને 427 પુરુષ) તેમજ શ્યામ વંશીય જૂથોના લોકોમા (119 મહિલાઓ અને 257 પુરુષ) અને એશિયન વંશીય જૂથોમાં (78 સ્ત્રીઓ અને 163 પુરુષો) હતો. તેની તુલનાએ, શ્વેત લોકોમાં 100,000ની વસ્તીમાં મૃત્યુ દર 36 સ્ત્રીઓ અને 70 પુરૂષોનો હતો.

લેબર નેતા સર કેઇર સ્ટાર્મરે કોવિડ-19ને લગતા BAME મૃત્યુ અંગેની સમીક્ષા તાત્કાલિક પ્રકાશિત કરવા અને BAME સમુદાયો પરની અપ્રમાણસર અસરને પહોંચી વળવા ‘હમણાં જ પગલાં લેવામાં’ આવે તેવી માંગ કરી હતી.
ગયા મહિને શરૂ કરાયેલી પીએચઇ સમીક્ષાનો રીપોર્ટ મે મહિનાના અંતમાં પ્રકાશિત કરવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ તે ‘પ્રકાશન માટે તૈયાર ન હોવાથી’ વિલંબ થયો હતો. સ્કાય ન્યૂઝે એ પણ અહેવાલ આપ્યો છે કે મિસ્ટર ફ્લોઈડના મૃત્યુ અંગે યુ.એસ.માં ચાલી રહેલા વિરોધ વચ્ચે સમીક્ષા પ્રકાશિત થવાની ‘ચિંતા’ એ વિલંબમાં ભાગ ભજવ્યો હતો. પરંતુ હેલ્થ અને સોશ્યલ કેર ડીપાર્ટમેન્ટે તે નકારી કાઢતાં કહ્યું હતું કે ‘મંત્રીઓને જ ગઈકાલે તેના પ્રારંભિક તારણો મળ્યાં હતાં.’’

અમેરિકામાં નિ:શસ્ત્ર શ્યામ યુવાન જ્યોર્જ ફ્લોયડનુ ગળુ પગ વડે નવ મિનિટ સુધી ઘૂંટણ વડે દબાવ્યા બાદ મરણ થતા યુ.એસ.માં વ્યાપક વિરોધ વચ્ચે ઇન્સ્ટીટ્યુશનલ રેસીઝમના વિરોધમાં આ વિકેન્ડમાં લંડન, માન્ચેસ્ટર અને કાર્ડિફમાં ટોળાએ એકત્ર થઇને દેખાવો કર્યા હતા.ઇસ્ટ સરેના કન્ઝર્વેટિવ સાંસદ, ક્લેર કોન્ટિન્હોએ સંસદમાં પૂછ્યું હતું કે શું સરકારે સમયસર અહેવાલ જાહેર નહીં કરવાનો નિર્ણય ધ્યાનમાં રાખ્યો હતો? જેના જવાબમાં હેન્કોકે કહ્યું હતું કે ‘ના એવુ નથી. મેં પી.એચ.ઈ.ને આ તપાસનો અહેવાલ મે માસના અંત સુધીમાં કરવાનું કહ્યું હતું.

જે તેમણે રવિવારે મને પહોંચાડ્યો અને અમે તેને પ્રકાશિત કરી દીધો છે અને શક્ય તેટલી વહેલી તકે તેને ગૃહમાં લાવ્યો છું.’શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય લોકોમાં ટાઇપ 2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરનો દર વધુ હોય છે, જેથી તેમને કોવિડ-19નો ચેપ લાગે તો મૃત્યુ થવાનું જોખમ વધારે છે. શ્વેત લોકોની સરખામણીએ તેઓ ગરીબીમાં જીવતા હોવાની શક્યતા ડબલ હોય છે, ઓછુ વેતન મળતું હોવાની સંભાવના પણ હોય છે અને શહેરો અને નગરોમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં રહેતા હોય છે જેથી તેમને કોરોનાવાયરસ થવાનું જોખમ વધારે હોય છે.

હેન્કોકે પીએચઇના અહેવાલ વિશે કહ્યું હતું કે ‘’આ ખૂબ સમયસરનું કામ છે. સમજી શકાય છે કે લોકો અન્યાય અંગે ગુસ્સામાં છે અને હેલ્થ સેક્રેટરી તરીકે મારી જવાબદારી છે કારણ કે આ રોગચાળાએ આપણા દેશના સ્વાસ્થ્યમાં રહેલી વિશાળ અસમાનતા ઉજાગર કરી છે. તે ખૂબ જ સ્પષ્ટ છે કે કેટલાક લોકો કોવિડ-19 સામે નોંધપાત્ર રીતે વધુ સંવેદનશીલ હોય છે અને તેથી આ બાબત સંપૂર્ણ રીતે સમજવા અને તેના ઉપાય માટે પગલાં લેવાનું મેં નક્કી કર્યું છે. શ્યામ લોકોનું જીવન પણ મહત્વનું છે અને દેશના સૌથી ગરીબ વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્યના ખરાબ પરિણામોમાં તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે અને આરોગ્ય પરિણામોના સ્તરની કાર્યવાહી કરવામાં આવે છે.