(ANI Photo)

નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ કરવામાં આવેલા ગુજરાતના સાંસદોની સંખ્યા આ વખતે સાતથી ઘટીને છ થઈ ગઈ છે. જોકે ગુજરાતના સાંસદોને મહત્ત્વના મંત્રાલયો મળ્યાં છે. અમિત શાહને કેન્દ્રીય ગૃહ પ્રધાન. એસ જયશંકરને કેન્દ્રીય વિદેશ પ્રધાન, મનસુખ માંડવિયાને સ્પોર્ટ્સ પ્રધાન તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલને જલશક્તિ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને આરોગ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે એસ જયશંકર અને જે પી નડ્ડા ગુજરાતમાંથી રાજ્યસભામાં ચૂંટાયા છે.

અમિત શાહ અને એસ જયશંકરે ફરી વખત અનુક્રમે ગૃહ અને વિદેશ મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે. ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને જલ શક્તિ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. પાટિલની સાથે, વી. સોમન્ના અને રાજ ભૂષણ ચૌધરીને જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

2021માં કોરોના મહામારી દરમિયાન આરોગ્ય પ્રધાન તરીકે સેવા આપનારા ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી કેબિનેટમાં અનુરાગ ઠાકુરની જગ્યાએ ભારતના નવા રમત પ્રધાન તરીકે નિયુક્ત કરાય છે. 52 વર્ષીય માંડવિયાએ ગુજરાતની પોરબંદર લોકસભા બેઠક પરથી તેમના નજીકના કોંગ્રેસના હરીફ લલિત વસોયાને 3.83 લાખ મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય સિવાય માંડવિયાને રસાયણ અને ખાતર મંત્રાલયનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

ભાવનગરના સાંસદ નિમુબેન જયંતિભાઈ બાંભણીયાને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યાં છે.

બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણને પડતા મૂકવામાં આવ્યાં છે. રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ક્ષત્રિય/રાજપૂત સમુદાય અંગેની તેમની વિવાદાસ્પદ ટીપ્પણીને કારણે ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ હતી.

ત્રણ વખત રાજ્યસભાના સભ્ય તરીકે પુરુષોત્તમ રૂપાલાએ અગાઉની બંને મોદી સરકારોમાં પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ 2016 અને 2021 વચ્ચે કૃષિ, ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજના કેન્દ્રીય રાજ્ય પ્રધાન હતા. જુલાઈ 2021થી તેઓ મત્સ્ય, પશુપાલન અને ડેરીના કેન્દ્રીય પ્રધાન હતા.

આ વખતે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને પણ પડતા મૂકવામાં આવ્યા છે. તેઓ અગાઉ કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે. અગાઉની સરકારમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય પ્રધાન તરીકે ફરજ બજાવનારા મહેન્દ્ર મુંજપરાને પાર્ટી દ્વારા 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી ન હતી. અગાઉની મોદી સરકારમાં રેલ્વે અને કાપડ રાજ્ય પ્રધાન દર્શના જરદોશ 2024ની લોકસભાની ચૂંટણી લડ્યાં ન હતા.

LEAVE A REPLY