પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદમાં સાઇબર ક્રિમિનલ બેફામ બન્યા છે અને ગુરુવારે માત્ર એક દિવસમાં આવા ગુનામાં 20 કેસ નોંધાયા હતા અને તેમાં કુલ રૂ.20 લાખની ઠગાઈ થઈ હતી.

કોરોના મહામારીને કારણે નાગરિકો વધુને વધુ ડિજિટલ ફ્રેન્ડલી બનતા જાય છે પણ સાથે ડિજિટલ સિક્યોરિટીની હાલત કથળેલી રહેતાં સોશિયલ મીડિયાનો સહારો લઈ લલચાવી, ફસાવી આચરાતા સાઇબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું છે. એક કિસ્સામાં તો નવરંગપુરાની એક મહિલા સાથે ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ કરી અને તેને લગ્નની લાલચ આપી ફોસલાવી બાદમાં એક સરપ્રાઈઝ ગીફ્ટ મોકલવાના બહાને આ મહિલાના અઢી લાખ ખંખેરી લેવાયા હતા. શહેરમાં કુલ સોલામાં ૭, વાડજમાં ૩, નારણપુરામાં ૩ તેમજ નરોડા, એરપોર્ટ, મેઘાણીનગર, કૃષ્ણનગર, વાસણા, પાલડીમાં ૨૦ ઘટના બની છે.

એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીમાના નાણા પરત આપવાના નામે ગઠીયાએ રૂ.૭.૩૬ લાખ પડાવી લીધા હતી. મેઘાણીનગરમાં ડિજિટલ પેમેન્ટ કંપનીના કર્મીએ રૂ.૭૫ હજાર સેરવી લીધા હતા. નારણપુરામાં આર્મી જવાન હોવાનું કહી મકાન ભાડે આપવાના નામે રૂ.૪૮ હજાર પડાવી લીધા છે. પાલડીમાં સ્કૂલમાં એડમિશન લેવાના બહાને એક મહિલા પાસેથી રૂ.૭૫ હજાર સેરવી લેવાયા હતા. સોલા ખાતે બેન્ક મેનેજરના નામે રૂ.૬૦ હજાર અને વિદેશથી આવેલા કુરિયર છોડાવવાનું કહી ગઠિયાઓએ રૂ.૧.૩૫ લાખ પડાવી લીધા હતા. વાસણા વિસ્તારમાં રિફંડ પર વસ્તુ લે-વેચના નામે રૂ. ૯૩ હજાર પડાવી લેવાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી