Defamation case against Rahul Gandhi for insulting Veer Savarkar
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે બુલઢાણામાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પર પાર્ટીની ભારત જોડો યાત્રાની શક્તિ પદયાત્રામાં મહિલા સહભાગી સાથે.

સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર સામેની “અપમાનજનક” ટિપ્પણી બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુરુવારે થાણે નગર પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ થઈ હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેના જૂથના કાર્યકર્તા વંદના ડોંગરે દાખલ કરેલી ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે રાહુલ ગાંધીએ વીર સાવરકર વિરુદ્ધ તેમના અપમાનજનક નિવેદનો દ્વારા નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચાડી છે. કોંગ્રેસ નેતાએ ભારત જોડો યાત્રા દરમિયાન અકોલામાં દાવો કર્યો હતો કે વીર સાવરકરે બ્રિટિશરોને મદદ કરી હતી.

રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટીપ્પણીના મુદ્દે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરની શિવસેના વચ્ચે ઘમાસાન ચાલુ રહ્યું છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું કે વીર સાવરકર, જવાહરલાલ નેહરુ અથવા અન્ય કોઈ સ્વતંત્રતા સેનાનીને બદનામ ન કરવા જોઈએ, કારણ કે તેઓ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી.

જોકે મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોળે રાહુલ ગાંધીનો જોરદાર બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની નિંદા કરનારા લોકોએ એ સ્પષ્ટ કરવું જોઇએ કે સાવરકરને અંગ્રેજો પાસેથી પેન્શન કેમ મળતું હતું.
રાજ્યમાં સત્તાધારી ભાજપે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનાને ઘેરવાનો પ્રયાસ કરી જણાવ્યું હતું કે ઉદ્ધવ જૂથે કોંગ્રેસ સાથેનું મહા વિકાસ અઘાડી (MVA) જોડાણ તોડી નાખવું જોઇએ.

રાઉતે એક દિવસ અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે ઠાકરેની આગેવાની હેઠળની સેનાને સાવરકર વિશે રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણીઓ સ્વીકાર્ય નથી અને તે MVA ગઠબંધનમાં તિરાડ પાડી શકે છે.

રાજ્યસભાના સભ્ય રાઉતે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે “પંડિત જવાહરલાલ નહેરુ અને સાવરકર બંનેની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાના પ્રયાસો બંધ થવા જોઈએ. દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ કોઈ વિચારધારા કે રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોતા નથી.” તેમણે ઉમેર્યું હતું કે “કોઈ સાવરકરને બદનામ કરે, તેનો અર્થ એ નથી કે તમે નેહરુ વિશે નકારાત્મક બોલો.”

રાહુલ ગાંધીએ આ અઠવાડિયે તેમની ભારત જોડો યાત્રા દરમિયાન સાવરકર અંગે અપમાનજનક ટીપ્પણી કરીને વિવાદ ઊભો કર્યો હતો. રાહુલે દાવો કર્યો હતો કે સાવરકરે બ્રિટિશરોને મદદ કરી હતી અને ડરના માર્યા દયાની અરજી કરી હતી.

LEAVE A REPLY

12 + eleven =