Petition to the Supreme Court to review the demonetisation verdict
(istockphoto.com)

સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારના 2016ના નોટબંધીના નિર્ણયને સોમવારે, 2 જાન્યુઆરીએ યોગ્ય ઠેરવ્યો હતો અને તેને પડકારતી સંખ્યાબંધ અરજીઓને ફગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતની પાંચ ન્યાયાધીશોની બનેલી ખંડપીઠે 4-1ની બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો. એક જજે નોટબંધીને ગેરકાયદેસર ઠેરવી હતી.

બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે ₹1,000 અને ₹500ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાનો કેન્દ્ર સરકારનો 8 નવેમ્બર, 2016નો આદેશ યોગ્ય હતો અને માત્ર કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો હોવાથી તેની નિર્ણય લેવાની પ્રક્રિયામાં ખામી હોઈ શકે તેવું કહી શકાય નહીં.

સુપ્રિમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે, નોટબંધીનો હેતુ હાંસલ થયો કે નહીં તે “મહત્ત્વનું નથી” અને ઉમેર્યું હતું કે પ્રતિબંધિત નોટો બદલવા માટે આપવામાં આવેલ 52 દિવસનો સમયગાળો ગેરવાજબી નથી.

જોકે એક અસંમત ચુકાદામાં, જસ્ટિસ બી.વી. નાગરથનાએ કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલા નોટો પર પ્રતિબંધને ગેરકાયદેસર ગણાવ્યો હતો પરંતુ કહ્યું હતું કે હવે યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરી શકાતી નથી. ન્યાયાધીશે જણાવ્યું હતું કે સંસદના અધિનિયમ દ્વારા આ પગલું ચલાવવામાં આવી શકે છે.

કાળા નાણા સામેના આકરા પગલાંના ભાગરૂપે 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક ટીવી પર રાષ્ટ્રજોગ પ્રવચન કરીને 500 અને 1000 રૂપિયાની કરન્સી નોટો રદ કરવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં સરકારના આ અસાધારણ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્કના બોર્ડની ભલામણ વગર આ રીતે નોટ રદ કરી ન શકાય તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.

સર્વોચ્ચ અદાલતે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે આ નિર્ણય સરકારનીની આર્થિક નીતિ મુજબનો હોવાથી તેને ઉલ્ટાવી શકાય નહીં. સુપ્રીમે કહ્યું હતું કે નોટબંધીના નિર્ણયમાં કંઈ ‘ગેરવાજબી’ ન હતું. નોટબંધીને પડકારનાર અરજીઓ માટે વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ અને શ્યામ દિવાન મેદાનમાં ઉતર્યા હતા. ચિદમ્બરમે દલીલ કરી હતી કે સરકાર પોતાની જાતે કોઈ કરન્સી નોટ અંગે આવો નિર્ણય લઈ શકે નહીં. આ માટે રિઝર્વ બેન્કના બોર્ડની ભલામણ હોવી જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નોટબંધી અગાઉ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને કેન્દ્ર સરકાર વચ્ચે વિચારવિમર્શ થયો હતો. નોટબંધીનું પગલું લેવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વકીલે દલીલ કરી હતી કે આર્થિક નીતિને લગતા નિર્ણયોમાં જ્યુડિશિયલ રિવ્યૂ થઈ ન શકે. આરબીઆઈએ કહ્યું હતું કે નોટબંધી કરવા પાછળનો હેતુ દેશમાં બ્લેકમની અને નકલી કરન્સીને દૂર કરવાનો હતો.

LEAVE A REPLY

17 + four =