ગુજરાત સરકાર અમદાવાદ જિલ્લાના ધોલેરાને સ્માર્ટ સિટી તરીકે વિકસાવી રહી છે. . (ANI Photo)

કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના ધોલેરા ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસ માટે આપી છે. માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટને રેલવે તથા હાઈવે જેવી મલ્ટિ મોડલ કનેક્ટિવિટી વડે જોડવામાં આવશે. આ એરપોર્ટના વિકાસના પ્રથમ તબક્કામાં 1300 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.
હાલમાં ગુજરાતમાં અમદાવાદ એરપોર્ટ સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ તબક્કાવાર તૈયાર કરવામાં આવશે. જેમાં એરપોર્ટનું બાંધકામ જાન્યુઆરી 2023થી શરૂ કરવામાં આવશે અને તેનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2024 સુધીમાં પૂરો કરાશે. પ્રથમ તબક્કામાં 3200 મીટરનો રનવે તૈયાર કરવામાં આવશે જે બીજા તબક્કામાં 3800 મીટર સુધી લઈ જવામાં આવશે. ડીઆઈએસીએલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલોપમેન્ટ એન્ડ ઈમ્પ્લિમેન્ટ ટ્રસ્ટનો 16 ટકા ભાગ છે. આ કંપનીને રાજ્ય સરકારે 3000 એકર જમીન લીઝ પર આપી છે.

આ એરપોર્ટના ત્રીજા તબક્કામાં બીજો રન-વે તૈયાર કરવામાં આવશે. ત્રણેય તબક્કામાં આ એરપોર્ટ પૂર્ણ થશે ત્યારે પ્રતિવર્ષ લાખો મુસાફરો તેનો લાભ ઉઠાવી શકશે. વિમાન પાર્કિંગ માટે 12 એપ્રોન બનાવવામાં આવશે અને 20,000 ચોરસમીટર જમીનમાં પેસેન્જર ટર્મિનલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત એટીસી ટાવર સાથે કાર્ગો ટર્મિનલ પણ એરપોર્ટ પર તૈયાર કરવામાં આવશે.ગુજરાત વિધાનસભામાં પણ સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ નજીક ધોલેરા પાસે ઈન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાર વર્ષમાં પૂર્ણ થશે.